મોરબી : મોરબીની ડેન્ટિસ્ટ દીકરીને અમદાવાદ રહેતા પતિ સહિતના સાસરિયાઓ કરિયાવર બાબતે અવાર નવાર ત્રાસ આપી ગર્ભાવસ્થા દરમિયાન આરામ ન કરવા દેતા મિસકેરેજ થઈ ગયા બાદ 16 મહિનાથી માવતરે મૂકી જતા સાસરિયાઓના ત્રાસ મામલે સમાધાનના પ્રયાસો બાદ પણ સમાધાન ન થતા અંતે ડોકટર પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ અને વિદેશમાં રહેતી બે નણંદ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદ થલતેજમાં સાસરું ધરાવતા અને હાલમાં મોરબી ખાતે રવાપર રોડ ઉપર રહેતા દાંતના ડોકટર ખ્યાતિબેન રાકેશભાઈ જાકાસણીયા ઉ.32 નામના પરિણીતાએ પતિ રાકેશ મગનલાલ જાકાસણીયા, સાસુ શારદાબેન મગનલાલ જાકાસણીયા, સસરા મગનલાલ ભીમજીભાઈ જાકાસણીયા, રહે. થલતેજ અમદાવાદ અને ઓસ્ટ્રેલિયા રહેતી નણંદ આશાબેન અમિતભાઇ પટેલ તેમજ અમેરિકા રહેતી નણંદ કોમલબેન અવિનાશભાઈ વર્ઘેલી વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.
વધુમાં ખ્યાતિબેને નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, વર્ષ 2020મા તેઓના બીજા લગ્ન આરોપી રાકેશ મગનલાલ જાકાસણીયા સાથે થયા હતા લગ્નના થોડા સમય બાદ જ સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને પતિ રાકેશને દારૂ પીવાની આદત હોય દરરોજ ઝઘડા કરતો હતો અને સાસુ, સસરા તેમજ નણંદ પણ પતિની ચડામણી કરી ત્રાસ આપી ઓછો કરિયાવર લાવવા બાબતે ત્રાસ આપતા હતા. સાથે જ લગ્ન બાદ દવાખાનું ખોલી આપવા કહ્યું હોવા છતાં દવાખાનું ન ખોલી આપી ખ્યાતિબેનને ગર્ભાવસ્થા દરમિયાન આરામ ન કરવા દેતા મિસકેરેજ થઈ ગયું હતું અને બાદમાં 16 મહિનાથી માવતરના ઘેર મૂકી ગયા બાદ સમાધાન ન થતા અંતે ખ્યાતિબેને પતિ સહિતના સાસરિયા અને વિદેશમાં રહેતી નણંદો વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરેલુ હિંસા મામલે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.








