પીએમ આવાસ યોજનાના સર્વે માટે તા.31 મેં સુધી વિવિધ વિસ્તારોમાં કેમ્પ યોજાશે
મોરબી : મોરબીમાં પીએમ આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે રૂ. 4 લાખની સરકારી સહાય અપાશે. આ યોજના માટે તા.28એ રામદેવનગર મેઈન રોડ, બાળા હનુમાનજી મંદિર આગળ બગીચામાં, તા.29એ સાંઈબાબા મંદિર, રણછોડનગર, વિશિપરા, તા.30એ શક્તિ માનું મંદિર, શનાળા, તા.31એ દલવાડી સર્કલ, પચીસ વારિયા ખાતે સવારે 12થી સાંજે 4 વાગ્યા સુધી કેમ્પ યોજાશે. પાત્રતા ધરાવતા અરજદારોને આ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ બેનીફીશયરી લેડ કન્સ્ટ્રકશન (BLC) ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા અલગ અલગ વિસ્તારોમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ધારા-ધોરણ મુજબ 30 ચો.મી થી 45 ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું, અને શૌચાલય-બાથરૂમની સુવિધા સાથે પાકા નવા આવાસનું બાંધકામ કરી શકાશે. તે માટે પ્રતિ આવાસ દીઠ કેન્દ્ર સરકાર દ્વારા રકમ રૂ.1,50,000 અને રાજ્ય સરકાર દ્વારા રકમ રૂ.2,50,000 એમ કુલ મળીને રકમ રૂ.4,00,000ની સહાય 4 હપ્તામાં મળવાપાત્ર રહેશે. જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના નાગરિકો કે જેઓ પોતાની માલિકીનું કાચું, અર્ધ કાચું, જર્જરિત કે ખુલ્લો પ્લોટ ધરાવે છે અને તેઓની કૌટુંબિક વાર્ષિક આવક રકમ રૂ.3 લાખ સુધીની છે અને ભારતભરમાં અગાઉ આવાસની યોજનાના કોઈપણ ઘટકમાં લાભ લીધો નથી. તેવા લાભાર્થીઓ પોતાની માલિકીનું પાકું નવું મકાન બાંધકામ કરવા ઈચ્છે છે તેઓને ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ સ્થળ પર કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.