Wednesday, May 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી LCBનો મોટો ભેદ ઉકેલ: બંધ કોટન ફેક્ટરીમાં થયેલી લાખોની ચોરીનો પર્દાફાશ,...

મોરબી LCBનો મોટો ભેદ ઉકેલ: બંધ કોટન ફેક્ટરીમાં થયેલી લાખોની ચોરીનો પર્દાફાશ, 4 આરોપી ઝડપાયા

મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામના બંધ કારખાનામાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલવામાં મોરબી એલસીબી (LCB) પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ચોરી કરતી ગેંગના 4 સભ્યોને ઝડપી પાડી 1,94,800 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

ગત તારીખ 03/03/2025 થી 04/03/2025 ના સમયગાળા દરમિયાન ગાળા ગામની સીમમાં આવેલા બંધ બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં તસ્કરોએ ત્રાટકીને સીસીટીવી કેમેરા, એનવીઆર, સોની કંપનીનું ટીવી, વિજકરંટ પસાર કરતી કોપર પ્લેટ તથા ઇલેક્ટ્રિક પેનલનો કોપર કેબલ સહિતનો કિંમતી સામાન ચોરી લીધો હતો. આ અંગે 12/03/2025 ના રોજ મોરબી તાલુકા પોલીસ મથકમાં બીએનએસ (BNS) ની કલમ 331(4) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ વણશોધાયેલા ગુનાને ઉકેલવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ કામે લાગી હતી. બાતમીના આધારે પોલીસે રવિરાજ ચોકડી ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ પરથી સીએનજી (CNG) ઓટો રિક્ષા (GJ36U7710) અને સ્પ્લેન્ડર બાઇક (GJ14AH4338) સાથે રમેશ ઉર્ફે પોયો મનુભાઈ વાઘેલા (રહે. શક્તિપરા તા. વાંકાનેર, જિ. મોરબી), હમીરભાઈ બહાદુરભાઈ વાઘેલા (રહે. ગઢડા, જિ. બોટાદ), અજયભાઈ ઉર્ફે અજીત સુરાભાઈ વાઘેલા (રહે. ગઢડા, જિ. બોટાદ) અને રણજીતભાઈ ઉર્ફે કદમ ઉર્ફે રંજલો ધનજીભાઈ માથાસુરીયા (રહે. હાલ શક્તિપરા તા. વાંકાનેર, મૂળ રહે. દેવસર તા. ચોટીલા)ને શંકાસ્પદ હાલતમાં પકડી પાડ્યા હતા. તેમની પૂછપરછમાં ચોરીની કબૂલાત થતા પોલીસે તેઓની ધરપકડ કરી હતી.

વધુમાં પકડાયેલા શખ્સોની પૂછપરછમાં હમીરભાઈ ધનજીભાઈ માથાસુરીયા (રહે. દેવસર, તા. ચોટીલા), ધનજીભાઈ વેરશીભાઈ માથાસુરીયા (રહે. દેવસર, તા. ચોટીલા), હેમંતભાઈ સેરાભાઈ વાઘેલા (રહે. ધામેલ, તા. દામનગર, જિ. અમરેલી) અને સુરેશભાઈ બચુભાઈ સાડમીયા (રહે. સરધાર, જિ. રાજકોટ)નું નામ ખુલતા તેને શોધખોળ હાથ ધરવામાં આવી છે.

વધુમાં પોલીસે સીએનજી ઓટો રિક્ષા – કિંમત રૂ. 80,000, સ્પ્લેન્ડર બાઇક – કિંમત રૂ. 20,000, કોપર વાયરના ટુકડા (વજન 34 કિલો) – કિંમત રૂ. 37,400, કોપર પ્લેટના ટુકડા (વજન 34 કિલો) – કિંમત રૂ. 37,400, 4 મોબાઈલ ફોન – કિંમત રૂ. 20,000 મળી કુલ રૂ. 1,94,800નો મુદામાલ કબ્જે કર્યો છે.

ગેંગની મોડેસ ઓપરેન્ડી

આ ગેંગ મોરબીના કારખાના વિસ્તારમાં દિવસ દરમિયાન ભંગાર લે-વેચના બહાને બંધ કારખાનાઓની રેકી કરતી હતી. રાત્રિના સમયે સિક્યુરિટી ન હોય તેવા બંધ કારખાનાઓને ટાર્ગેટ કરી બોલેરો પિકઅપ અને વાયર કાપવાના સાધનો સાથે ચોરી કરતા હતા અને ચોરેલો માલ ભંગારના ડેલાવાળાને વેચી દેતા હતા. પકડાયેલા આરોપીઓ પૈકી અજય સામે અગાઉ અલગ-અલગ જિલ્લાઓમાં 10 જેટલા ગુના, હમીર સામે 11 ગુના, રણજીત સામે 1 અને રમેશ સામે 5 ગુનાઓ નોંધાયેલા છે.

કારખાનેદારો માટે પોલીસનો સંદેશ:

મોરબી પોલીસે કારખાનેદારોને ખાસ અપીલ કરી છે કે બંધ કારખાનાઓમાં યોગ્ય સિક્યુરિટી વ્યવસ્થા અને સીસીટીવી કેમેરા અવશ્ય રાખવા જેથી તમારી પ્રોપર્ટી સુરક્ષિત રહે અને ચોરીના બનાવો અટકાવી શકાય. આ સફળ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. ગોહિલ, પીએસઆઈ બી.ડી. ભટ્ટ, પીએસઆઈ વી.જી. માલાણી તથા એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments