પાલીતાણા નજીકથી રૂ.1 લાખ રોકડ સાથે ઝડપાયેલો આરોપી તા.10 સુધીના રિમાન્ડ પર
ટંકારા : ટંકારા નજીક ખજૂરા હોટેલ પાસે ચકચારી લૂંટની ઘટનામાં અગાઉ ત્રણ આરોપી ઝડપાયા બાદ આજે પોલીસે વધુ એક આરોપીને પાલીતાણા નજીકથી રૂ.૧ લાખની રોકડ સાથે ઝડપી લઈને આ આરોપીને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રકશન પણ કરાવ્યું હતું. જો કે આરોપીએ રાજસ્થાન ફરવા ગયા ત્યારે લૂંટનો પ્લાન ઘડયો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી છે. વધુમાં કોર્ટે આરોપીના તા.10 સુધીના રિમાન્ડ પણ મંજુર કર્યા છે.
ટંકારા નજીક ખજુરા હોટેલ પાસે આંગડિયા પેઢીના માલિક પાસેથી સનસનીખેજ લૂંટના બનાવમાં પોલીસે નાકાબંધી દરમ્યાન આરોપી અભિભાઇ લાલાભાઇ અલગોતર અને અભીજીતભાઈ ભાવેશભાઈ ભાર્ગવ રહે. બન્ને ભાવનગરને રોકડા રૂ.૭૨,૫૦,૦૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૮૧,૫૦,૦૦૦ સાથે ઝડપી લીધા બાદ આ આરોપીઓને આશરો આપ્યો હોવાની સંડોવણી ખુલતા ટંકારાના જબલપુર ગામની સીમમાં આવેલ બાલાજી કોઇ કારખાનાનું સંચાલન કરનાર દિગ્વીજયભાઇ અમરશીભાઇ ઢેઢીની પણ ધરપકડ કરી હતી. આ લૂંટમાં આરોપીઓ હીતેષભાઈ ચાવડા, નિકુલભાઇ અલગોતર, દર્શીલ ભરવાડ, અલ્પેશ પરમાર, મેહુલ ઉર્ફે કાનો આહીરના નામ ખુલ્યા હતા. તપાસ દરમિયાન આરોપી હિતેષ ચાવડા ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના દુધાળા ગામની સીમમાં આવેલ વિજાઆપાના આશ્રમ ખાતે હોવાની ચોક્કસ હકીકત મળતા પોલીસની બે ટીમોએ દુધાળા ગામની સીમમાં આવેલ વિજાબાપાના આશ્રમ ખાતેથી આરોપી હિતેષભાઈ પાંચાભાઈ ચાવડા ઉ.વ.૩૧ રહે. સાંજણાસર તા.પાલીતાણા જી.ભાવનગર વાળા પાસેથી લુંટ કરેલ રોકડા રૂપીયા પૈકી રોકડ રૂ.૧ લાખ સાથે ધરપકડ કરી છે.
લૂંટનો પ્લાન કેવી રીતે ઘડ્યો ?
પોલીસની પુછપરછ દરમ્યાન આરોપીએ કબૂલાત આપી હતી કે પોતે તથા સહ આરોપી પરેશ જોગરાણા, દર્શીલ બોલીયા તથા અન્ય એક વ્યકિત એમ બધા રાજસ્થાન ખાતે ફરવા ગયા તે દરમિયાન તેના મિત્ર અને સહ આરોપી અલ્પેશ પરમાર, મેહુલ ઉર્ફે કાનો આહીરે જણાવ્યું કે, રાજકોટથી મોરબી દરરોજ આંગડીયા પેઢીના મોટી માતબર રકમ ભરેલી કાર જાય છે જે કારને આંતરી લુંટ કરવાની છે. બાદમાં અલ્પેશ પરમારે મોબાઇલ ફોનમાં લોકેશન મોકલેલ જે લોકેશન આધારે આરોપી હીતેશ ચાવડા, પરેશ જોગરાણા, દર્શીલ બોલીયા એમ ત્રણેય રાજસ્થાન ખાતેથી સીધા ટંકારા તાલુકાના જખલપુર ગામની સીમમાં બાલાજી કોઇર કારખાને તા.૧૭/૦૫/૨૦૨૫ ના રોજ આવ્યા હતા. જ્યાં અલ્પેશ પરમાર, મેહુલ ઉર્ફે કાનો આહીર તથા કારખાનેદાર દિગ્વીજય પટેલ હાજર હતા. જે બધાએ સાથે મળી લુંટનો આખો પ્લાન બનાવ્યો હતો.
આ રીતે બનાવને અંજામ આપ્યો
આરોપીઓએ ગત તા. ૨૦/૫ ના રોજ ટંકારા ખાતેથી આરોપી હીતેશ ચાવડાની બલેનો કાર લઈ રાજકોટ બેડી ચોકડીએ આંગડીયા પેઢીની કારની રેકી કરી હતી. એક કારથી લૂંટ શક્ય ન હોય અને વધુ માણસોની જરૂરીયાત જણાઇ આવતા આરોપી હિતેશ ચાવડાએ પોતાના મિત્રો અભિભાઈ અલગોતર, અભીજીતભાઈ ભાવેશભાઇ ભાર્ગવ, નિકુલભાઈ અલગોતર રહે. ત્રણેય ભાવનગર વાળાઓને પોલો કાર સાથે ટંકારા બોલાવ્યા હતા અને તમામ આરોપીઓએ બાલાજી કોઇર કારખાને ફરીથી લુંટનો પ્લાન બનાવી કારખાનેથી લાકડાના ધોકા,છરી, પાઈપ જેવા હથિયાર સાથે લઇ તા. ૨૧/૫ ના રોજ લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો.












