મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે અપમૃત્યુની સાતેક ઘટનાઓ સામે આવી હતી સાતેક વ્યક્તિના અલગ અલગ બનાવોમાં મોત નિપજ્યા હતા. મોરબીના શક્ત શનાળા ગામે રહેતી પરિણીતાના મોટા બહેનનું ત્રણેક મહિના પહેલા અવસાન થયા બાદ મોટી બહેન સપનામાં આવતી હોવાનું પરિવારજનોને જણાવ્યા બાદ માનસિક આઘાત સહન ન થતા નાની બહેને પણ પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પ્રથમ બનાવમાં આઠ મહિના પૂર્વે લગ્ન કરનાર મૂળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણા ગામના વતની અને હાલમાં મોરબીના શક્ત શનાળા ગામે રહેતા પૂનમબેન વિજયભાઈ આઘારીયા નામના પરિણીતાના મોટા બહેન કાજલબેનનું ત્રણેક મહિના પહેલા બીમારી સબબ મૃત્યુ નિપજતા મૃતક પૂનમબેન સતત ગુમસુમ રહેતા હોવાનું અને તેમના પરિવારજનોને મોટાબેન સપનામાં આવી વાતો કરતા હોવાનું જણાવતા હતા. જે દરમિયાન ગઈકાલે પૂનમબેને મોટાબહેનના મૃત્યુના આઘાતમા પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બીજા બનાવમાં વાકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર વાંકાનેર શહેરની નર્સરી ચોકડી નજીક બાઈક લઈને જઈ રહેલા હશનપર ગામના સતાભાઈ પાંચાભાઈ મૂંધવા ઉ.74 પોતાનું બાઈક વળાંક વાળતા હતા ત્યારે જીજે – 36 – એએચ – 0689 નંબરના બાઈક ચાલકે સતાભાઈને હડફેટે લઈ અકસ્માત સર્જતાં માથાના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન સતાભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.
ત્રીજા બનાવમાં વાંકાનેર તાલુકાના નાગલપર ગામની સીમમાં સાગરભાઈ મૈયાભાઈ ગુંદારિયા ઉ.25 નામના યુવાને વાડીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
ચોપા બનાવમાં હળવદ તાલુકાના સુખપર ગામે રહેતા મનોદિવ્યાંગ લીંબાભાઈ ઉર્ફે ભજન કરમશીભાઈ મરીયા ઉ.43 નામના યુવાન ગત તા.24ના રોજ રાત્રે જમીને ઘરેથી બહાર બેસવા ગયા બાદ ઘેર પરત આવ્યા ન હતા. જે દરમિયાન ગઈકાલે રણજીતગઢ ગામની સીમમાં નર્મદા કેનાલમાંથી લીંબાભાઈનો મૃતદેહ મળી આવતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
પાંચમા બનાવમાં મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા મેહુલભાઈ નવઘણભાઈ ગમારા ઉ.22 નામના યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
છઠા બનાવમાં મોરબી તાલુકાના જુના પીપળી ગામે રહેતા જેઠાભાઇ ભોજુભાઈ ચૌહાણ ઉ.85 નામના વૃદ્ધનું રફાળીયા પાસે આવેલ મચ્છુ -2 ડેમમા કોઈ કારણોસર પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. મોરબીના જુના આરટીઓ પાસે આવેલ મચ્છુ નદીમાં ડૂબી જવાથી મોત થયુ હતું.
સાતમા બનાવમાં પુના મહારાષ્ટ્રના વિનોદભાઈ નંદકિશોરભાઈ ચૌધરી ઉ.50 નામના આધેડનું કોઈ કારણોસર નદીમાં પડી ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બન્ને કિસ્સામાં પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.











