મોરબી : મોરબી શહેરમાં શ્રાવણીયા જુગારની મોસમ પુરબહારમાં ખીલી છે ત્યારે સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે છેલ્લા 24 કલાકમાં અલગ અલગ વિસ્તારમાં પાંચ દરોડા પાડી જાહેરમાં કે છાને ખૂણે જુગાર રમતા 19 જુગારીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
સીટી બી ડીવીઝન પોલીસે પ્રથમ દરોડામાં ઇન્દિરાનગર વિસ્તારના જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જીતેન્દ્રભાઈ બાબુભાઇ માનેવાડિયા અને ગૌતમભાઈ પરસોત્તમભાઈ સાગઠિયાને રોકડા રૂ.11,200 સાથે ઝડપી લઈ બીજા દરોડામાં ત્રાજપર ખારી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી કાનજીભાઈ ભરતભાઇ રાઠોડ, જનકભાઈ અશોકભાઈ ભલસોડ અને ભરતભાઇ વેરસીભાઈ વઢીયારાને રોકડા રૂપિયા 2350 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા. આ ઉપરાંત ત્રીજા દરોડામાં ઉમિયાનગરના ઢાળ પાસેથી આરોપી મનુભાઇ મેરાભાઈ મકવાણા, કિશનભાઈ નાગરભાઈ સુમેરા અને રાહુલભાઈ વિનોદભાઈ વઢરુકિયાને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4660 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
સીટી એ ડિવિઝન પોલીસે પ્રથમ દરોડામાં પંચાસર રોડ ઉપર ભારતપરામાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતેશભાઇ નટુભાઇ પંચાસરા, અનીલભાઇ નટુભાઇ પંચાસરા, બાબુભાઇ હાજીભાઇ સુમરા, જયેશભાઇ કિશોરભાઇ પંચાસરા, કાસમભાઇ અબ્દુલભાઇ શાહમદાર અને કિશોરભાઇ નટુભાઇ પંચાસરાને રોકડા રૂપિયા 5600 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લીધા હતા.જ્યારે અન્ય દરોડામાં ભવાની ચોક પાસેથી એ ડિવિઝન પોલીસે આરોપી ઇમરાનભાઇ ઉસ્માનભાઇ સોલંકી, તૈયબભાઇ ઇસ્માઇલભાઇ કુરેશી, આરફીખાન કાસમખાન ખોરમ, ઇકબાલભાઇ ઉસ્માનભાઇ શેખ અને અબ્દુલભાઇ કાદરભાઇ સમાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂ.7450 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.










