Wednesday, October 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની ઐતિહાસિક વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલના વર્ષ 1976-78 ની સાયન્સ બેચનું ભવ્ય...

મોરબીની ઐતિહાસિક વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલના વર્ષ 1976-78 ની સાયન્સ બેચનું ભવ્ય સ્નેહમિલન યોજાયું

વીરપર સ્થિત નાલંદા વિદ્યાલય ખાતે યોજાયેલા ‘ચતુર્થ સ્નેહ સંગમ’માં 5 દાયકા જૂના ગુરુજનોની ઉપસ્થિતિ રહી આકર્ષણનું કેન્દ્ર: જૂની યાદો વાગોળી રાસ-ગરબાની રમઝટ બોલાવાઈ

મોરબી ડેઈલી : મોરબી શહેરની ઐતિહાસિક વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલમાં વર્ષ 1976 થી 1978 દરમિયાન હાયર સેકન્ડરી સાયન્સ પ્રવાહની પ્રથમ બેચમાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ‘ચતુર્થ સ્નેહ સંગમ’ વીરપર સ્થિત નાલંદા વિદ્યાલયના પરિસરમાં અત્યંત ઉત્સાહપૂર્ણ અને લાગણીસભર વાતાવરણમાં યોજાયો હતો. આ મિલનમાં મોટાભાગના સહપાઠીઓ સપરિવાર ઉપસ્થિત રહેતાં કાર્યક્રમ એક વિશાળ પારિવારિક મહોત્સવમાં ફેરવાઈ ગયો હતો.

આ સ્નેહમિલનની મુખ્ય વિશેષતા એ રહી કે, પાંચ દાયકા પૂર્વે વિદ્યાદાન આપનારા આદરણીય ગુરુજનો ડો. સતીશ માંડલિક, ધામેચા સાહેબ, આડેસરા સાહેબ, ઠાકર સાહેબ, એ. એન. પટેલ સાહેબ અને વી. વી. પંડ્યા સાહેબ પોતાની જૈફ વયે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડીલ વયે પહોંચેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોની વંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા.

સવારે 9:00 કલાકે શરૂ થયેલા આ કાર્યક્રમમાં સ્વપરિચય, શાળાકાળના સંસ્મરણો, 70 ના દાયકામાં મર્યાદિત સાધનો વચ્ચે શિક્ષણ મેળવીને આજે સામાજિક-આર્થિક ક્ષેત્રે મેળવેલી સફળતાઓની પ્રેરક વાતો, ગુરુજનોનું માર્ગદર્શન તેમજ હળવા સંગીતની પ્રસ્તુતિ થઈ હતી. આ અવસરે ઉપસ્થિત તમામ ગુરુજનો, વિદ્યાર્થીઓ અને અતિથિઓને કાયમી યાદગીરી રૂપે એક સુંદર સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ, ડો. સતીશ માંડલિક દ્વારા તેમના પિતાના ગીતો-કાવ્યોનો સંગ્રહ ધરાવતું પુસ્તક ‘તારો મને સાંભળશે સથવારો’ તમામને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું.

આ સ્નેહ મિલન માટે નાલંદા વિદ્યાલયના કાર્તિક પાંચોટિયા તેમજ ગોરધનભાઈએ ઉપસ્થિત રહી સમગ્ર સુવિધાઓ ઉપલબ્ધ કરાવી સહૃદય આતિથ્ય પૂરું પાડ્યું હતું. પરિસરના સંચાલકો પૈકીના એક અને આ જ બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થી શિવલાલ સુરાણીએ સમગ્ર વ્યવસ્થા તેમજ સૌના આગતા-સ્વાગતામાં વિશેષ ફાળો આપ્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ ફિલ્મી ગીતો તથા પારંપરિક રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી અને સ્વાદિષ્ટ અલ્પાહાર માણીને ભાવભીની વિદાય લીધી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments