મહિલાઓએ શીતળા માતાજીને કુલેરનો પ્રસાદ ધર્યો, વાર્તા સાંભળી : શીતળા માતાજીના મંદિરે મહિલાઓ માટે મેળો ભરાયો
મોરબી : આજે શ્રાવણ સુદ સાતમ એટલે કે શીતળા સાતમ. શીતળા સાતમના રોજ વહેલી સવારથી જ મોરબીમાં મચ્છુ નદીના કાંઠે દરબારગઢ પાસે આવેલા પૌરાણિક શીતળા માતાજીના મંદિરે ભક્તોની ભીડ જામી છે. ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓ શીતળા માતાજીના પૂજન માટે આવી રહ્યા છે. શીતળા માતાજીને કુલેર, શ્રીફળ સહિતનો પ્રસાદ ધરીને લોકો દર્શન કરીને આશીર્વાદ લઈ રહ્યા છે.
મોરબીમાં આવેલા શીતળા માતાજીના મંદિરે તમામ ધર્મના લોકો દર્શન માટે આવતા હોય છે. એક માન્યતા પ્રમાણે શીતળા માતાજીની માનતા રાખવાથી બાળકોને રોગ મટી જાય છે. બાળકોમાં થતાં ઓરી, અછબડા જેવા રોગ માતાજીની માનતા રાખવાથી મટી જતા હોય છે. ત્યારે આજે શીતળા સાતમના દિવસે મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં મંદિરે દર્શન કરીને માનતા પૂર્ણ કરવા પહોંચ્યા છે. મહિલાઓએ મા શીતળાના દર્શન કરી પ્રસાદી ધરીને શીતળા સાતમની ઉજવણી કરી છે. સાથે જ શીતળા સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રી વ્રત પણ કરે છે. જેથી આજના દિવસે મહિલાઓ શીતળા માતાની વાર્તા પણ સાંભળે છે. મોરબીમાં સોસાયટીઓમાં અને મંદિરોમાં મહિલાઓએ એકઠા થઈને શીતળા માતાની વાર્તા સાંભળી હતી.
મોરબીના દરબાર ગઢ વિસ્તારમાં મચ્છુ માતાજીના મંદિર પાસે આવેલા વર્ષો પુરાણા શીતળા માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાતમનો માત્ર મહિલાઓ માટે એકદમ સાદગીપૂર્વક મેળો ભરાયો છે. વર્ષોથી અહીં માત્ર મહિલાઓનો જ મેળો ભરાય છે. ખાસ કરીને મહિલાઓને શીતળા માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોવાથી સાતમના દિવસે મહિલાઓ આ મંદિરે ઉમટી પડે છે. શ્રદ્ધાપૂર્વક શીતળા માતાજીના દર્શન કરીને પોતે બાળકો માનેલી માનતાઓ પૂર્ણ કરે છે. બાદમાં મહિલાઓ પોતાના બાળકોને ફજેત ફાળકાની મોજ કરાવે છે. આ રીતે એક્દમ સદાય પૂર્વક અહીં મેળો વર્ષોથી ભરાય છે. આથી આજે શીતળા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. મહિલાઓએ માતાજીના દર્શનનો શ્રદ્ધાભેર લાભ લીધો હતો.
એક લોકવાયકા પ્રમાણે શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન જમવાનું હોય છે. એટલે કે રસોડામાં ચૂલો સળગાવવામાં આવતો નથી, આમ કરવાથી શીતળા માતા કોપાયમાન થાય તેવી દંતકથા પ્રચલિત છે. તેથી તમામ મહિલાઓ રાંધણ છઠની રાત્રે ઢેબરા, રાયતું, કારેલાનું શાક, મીઠાઈઓ, મગસ અને અન્ય વિવિધ વાનગીઓ સાતમના દિવસે ખાવા માટે તૈયાર કરી દે છે. ત્યારબાદ તેઓ પૂજાવિધિ કરીને ચૂલો કે ગેસ બંધ કરી દે છે. જે પરિવારોમાં શીતળા માતા માટે પ્રાચીન પરંપરાઓનું પાલન કરવામાં આવે છે, ત્યાં આ દિવસે માત્ર ઠંડુ ભોજન જ ખાવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન ખાવા પાછળ પણ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ છે.













