સ્ટેચ્યુ ચોકમાં નાસ્તો કરવા ઉભેલા વિદ્યાર્થીને કારણ વગર માર મર્યાની તેના પિતાએ નોંધાવી ફરિયાદ
વાંકાનેર : વાંકાનેર શહેરની ખાનગી શાળાના સંચાલકે પોતાની શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી રિશેષ દરમિયાન સ્ટેચ્યુ ચોકમાં નાસ્તો કરતો હતો ત્યારે ત્યાં આવી કઈ પણ પૂછ્યા વગર ગુપ્ત ભાગે પાટુ મારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા બનાવ અંગે સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
વાંકાનેર શહેરમાં આવેલ જ્ઞાન ગંગા શાળામાં ધોરણ 10મા અભ્યાસ કરતા વિદ્યાર્થીના પિતા મહેન્દ્રભાઈ નટવરભાઈ સારેસાએ આરોપી એવા શાળા સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમનો પુત્ર શાળામાં રિશેષ દરમિયાન સ્ટેચ્યુ ચોકમાં નાસ્તો કરવા ઉભો હતો ત્યારે આરોપી યોગેન્દ્રસિંહ ત્યાં આવ્યા હતા અને જાતિ પ્રત્યે અપમાનિત કરી સગીરને ગુપ્ત ભાગે પાટુ મારી દેતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે સગીરના પિતાની ફરિયાદના આધારે શાળા સંચાલક વિરુદ્ધ એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










