મોરબી તાલુકાના પીપળી ગામે આવેલ માનસધામ સોસાયટીમાં માવતરના ઘેર રહેતા પરિણીતાને કાલાવડ તાલુકાના નિકાવા ગામે રહેતા પતિ સહિતના સાસરિયાઓએ લગ્ન જીવનના છ મહિનાના સમય ગાળામાં જ દુઃખ ત્રાસ આપી મારકુટ કરતા હોય બનાવ અંગે મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના પીપળી ગામે પિતાના ઘેર રહેતા શીતલબેન કૌશિકભાઈ મેનપરા ઉ.39 નામના પરિણીતાએ પતિ કૌશિક રમેશભાઈ મેનપરા, સસરા રમેશભાઈ મેઘજીભાઈ મેનપરા અને સાસુ અનસોયાબેન રમેશભાઈ મેનપરા રહે.તમામ જોઈન્ટ ટાવર, નિકાવા, તા.કાલાવડ, જિલ્લો જામનગર વાળાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના લગ્ન જ્ઞાતિના રીતરિવાજ મુજબ ગત તા.2 ફેબ્રુઆરી 2025ના રોજ થયા હતા.લગ્નજીવનના 15 દિવસમાં જ પતિ સહિતના સાસરિયા નાની નાની વાતમાં મેણા ટોણા મારી ત્રાસ આપતા હતા અને પતિ મારકૂટ કરતો હતો.ઘરકંકાસમાં ઘરમેળે સમાધાનના પ્રયાસ કરવા છતાં પણ સમાધાન ન થતા અંતે સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.નોંધનીય છે કે, શીતલબેન અને કૌશિકભાઈના આ ત્રીજા લગ્ન છે.










