મોરબી: અજય લોરિયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા પાટીદાર નવરાત્રિ મહોત્સવનું ઘણા વર્ષોથી આયોજન થય રહ્યું છે. અને આ આયોજન ફક્ત પાટીદાર સમાજ માટે હોય છે. ત્યારે ગત વર્ષેની પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં અજયભાઈ લોરિયાએ સર્વ સનાતન સમાજ માટે નવરાત્રિનું આયોજન કરવા વચન આપ્યું હતું. ત્યારે હવે સર્વ સનાતન સમાજના ખેલૈયા માટે ખુશીના સમાચાર અજયભાઈ લોરિયાએ આપ્યા છે. મોરબી-2 વિસ્તારના મહેન્દ્રનગર ચોકડી નજીક CNG પંચની બાજુમાં ભવ્ય ‘સનાતન નવરાત્રિ મહોત્સવ-2025’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સનાતન નવરાત્રિ મહોત્સવ-2025માં હિરેન હરિયાણી, અવની ગૌસ્વામી, પુનમ યાદવ, પુનમ બારોટ, જયેશ બારોટ સહિતના કલાકારો રાસ-ગરબાની રમઝટ બોલાવશે. ત્યારે ખેલૈયાઓને સનાતન નવરાત્રિ મહોત્સવને લઈ ભારે ઉત્સુકતા છે. આ તકે અજયભાઈ લોરિયાએ જણાવ્યું હતું કે, મેં પાટીદાર નવરાત્રિના જાહેર સ્ટેજ પરથી વચન આપ્યું હતું કે આવતા વર્ષથી માત્ર પાટીદાર સમાજ જ નહિં પરતું સમગ્ર સનાતન સમાજ માટે એક વિશેષ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરીશ. જે આપેલ વચન મુજબ મે આ વર્ષે સનાતન નવરાત્રિ મહોત્સવનું એક ભવ્ય આયોજન કર્યું છે. નવરાત્રિએ આપણા સંસ્કાર અને સંસ્કૃતિનો જીવંત ઉત્સવ છે. સમાજના દરેક વ્યકિતને એક મંચ પર એકત્ર કરવા, ભાઈચારાને મજબૂત કરવા અને યુવાનોને પરંપરા સાથે જોડવા માટે આ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે.











