તારા મિત્રને ક્રિપ્ટો કરન્સી લેવા માટે જે 17 લાખ આપ્યા છે તે તારે આપવા પડશે કહી દુબઈથી અમદાવાદ થઈ મિત્રો સાથે કારમાં આવતી વખતે યુવાનનું અપહરણ કર્યું
વાંકાનેર : દુબઈથી ફ્લાઈટમાં અમદાવાદ આવેલ રાજકોટનો વતની યુવાન થાર કારમા મિત્રો સાથે રાજકોટ તરફ આવી રહ્યો હતો ત્યારે મિત્રએ કરેલી દગાખોરીના કારણે ક્રિપ્ટો કરન્સીની લેતી દેતી મામલે રાજકોટના પિતા પુત્ર તેમજ વાંકાનેરના ઠીકરિયાળી ગામના શખ્સે વગર વાંકે યુવાનનું અપહરણ કરી માર મારી કાર તેમજ પાસપોર્ટ અને પાકિટ પડાવી લેતા ચોંકાવનારી ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આ ઘટનામાં પોલીસે રાજકોટના મુખ્ય આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.
રાજકોટના સંતકબીર રોડ ઉપર શક્તિ સોસાયટીમા રહેતા અને હાલમાં યુએઇના અજમાન સીટી ખાતે નોકરી કરતા નમનભાઈ દિલીપભાઈ લુણાગરિયા ઉ.વ.21 નામના યુવાને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.9ના રોજ પોતે દુબઈથી ઈન્ડિગો ફ્લાઈટમાં અમદાવાદ આવી તેમના મિત્ર પાર્થિવ ભુપતભાઇ ઝાપડા અને હર્ષ પટેલ સાથે થાર કારમાં રાજકોટ આવવા રવાના થયા બાદ વાંકાનેર બાઉન્ડ્રી પાસે પહોંચતા આરોપી દિવ્યરાજ સંજયભાઈ સોલંકી, દિવ્યરાજના પિતા રહે.બન્ને રાજકોટ, રણજીત ડાંગર રહે.ઠીકરિયાળા તા.વાંકાનેર તેમજ અન્ય પાંચ અજાણ્યા માણસો રોડ ઉપર આડા ઉતરી કારને રોકી નમન તેમજ તેમના મિત્રને ટોલનાકાની ઓફિસ પાસે લઈ જઈ પૈસાની ઉઘરાણી કરી બેફામ માર મારી નમનને કહ્યું હતું કે તારા મિત્ર દેવ સિંધવને તને ક્રિપ્ટો કરન્સી લેવા માટે જે 17 લાખ આપ્યા છે તે તારે આપવા પડશે.
આરોપીઓએ નમનને કહ્યું હતું કે, અમે તારા મિત્ર દેવ સંદીપભાઈ સિંધવ રહે.સોરઠીયા વાડી વાળાને 17 લાખ રૂપિયા યુએસડીટી લેવા માટે આપ્યા હતા જે તને આપ્યા ન હોય એ પૈસા તારે આપવા પડશે. બીજી તરફ નમને કહ્યું હતું કે, દેવને પોતે નાણા આપી દીધા છે. જો કે, આરોપીઓએ પૈસાની ઉઘરાણી ચાલુ રાખી નમનના ભાઈ તેમજ માતાને વોટ્સએપ કોલ કરી પૈસા આપવા માંગણી કરતા નમનના ભાઈએ પોલીસને જાણ કરવા કહેતા જ આરોપીઓ નમન અને તેના મિત્રને લઈ ઠીકરિયાળી ગામે લઈ ગયા હતા. બાદમાં પૈસા ન હોય તો આઈ ટવેન્ટી કાર ગ્રીન લેન્ડ ચોકડીએ મૂકી જવા કહેતા નમનના પરિવારજનો કાર મૂકી જતા આરોપીએ કાર પણ પડાવી લીધી હતી.
ક્રિપ્ટો કરન્સીની ઉઘરાણીના અપહરણ અને કારની ખંડણી પડાવવા પ્રકરણ બાદ આરોપીઓએ નમન તેમજ તેના મિત્રોના પાકિટ લઈ લીધા હોય પરત આપ્યા ન હતા સાથે જ નમનનો પાસપોર્ટ અને યુએઈનું ઓળખપત્ર પરત ન આપતા હાલના બનાવ અંગે નમનની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી મુખ્ય આરોપી દિવ્યરાજ સંજયભાઈ સોલંકીની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.










