વાંકાનેર : સંઘ શતાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ- મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા દ્વારા ઢુંવા ગામે આયોજિત “વિજયા દશમી” ઉત્સવ અનરાધાર વરસાદ વચ્ચે પણ ભવ્ય રીતે ઊજવાયો હતો. જેમાં તાલુકાના 15 મંડળોમાંથી સ્વયંસેવક બંધુઓ, માતાઓ, બહેનો, પ્રબુદ્ધ નાગરિકો તથા મોરબીના વિવિધ ક્ષેત્રના ગણમાન્ય મહાનુભાવ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત અતિથિ આગમન બાદ સામૂહિક સંઘ પ્રાર્થના દ્વારા કરવામાં આવી. ત્યારબાદ સંઘના સ્વયંસેવકો દ્વારા અદભૂત રીતે પથ સંચાલન કરવામાં આવ્યું. પથ સંચલન બાદ વ્યાયામ યોગ, દંડ પ્રયોગ, ચલ સમતા, નિયુદ્ધ, સામૂહિક ગીત, ઘોષ વાદનનું પ્રત્યાક્ષિત રજૂ કરવામાં આવ્યું જેથી ઉપસ્થિત સૌ બંધુ ભગિનીઓ નિયમિત શાખામાં આપવામાં આવતા શારીરિક અભ્યાસ પ્રશિક્ષણથી પ્રેરિત / અવગત થઈ શકે. વર્તમાન સમયમાં આર્થિક મજબૂતીની સાથે સાથે વૈચારિક, માનસિક અને શારીરિક મજબૂતી હશે તો જ આ દેશ પરમ વૈભવના શિખરે પહોંચી શકશે તેમજ દેશની અસ્મિતા અને સંસ્કૃતિ અખંડ રહેશે.
બૌદ્ધિક સંપદા આ દેશની ઓળખ રહી છે. વસુધૈવ કુટુંબકમની ભાવના પીરસતું આ રાષ્ટ્ર વૈચારિક રીતે સમૃદ્ધ રહ્યું છે અને વિશ્વભરને એકતા, અખંડિતતા, સમરસતા અને સમાનતાનો સંદેશ પૂરો પાડવામા અગ્રેસર રહ્યું છે. શારીરિક પ્રત્યાક્ષિત બાદ દરેકને રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રભાવની અભિવ્યક્તિ કરી પોતાની ફરજો નિભાવવા આવાહન કરે તેવા શુભ ભાવ સાથે અમૃતવચન અને વ્યક્તિગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ મેહુલદાસ બાપુ (નકલંક ધામ, હડમતિયા) એ ઉપસ્થિત સૌને રાષ્ટ્રભક્તિ યુક્ત ઉત્સવમાં સહભાગી થવા બદલ શુભેચ્છા આપતા આશીર્વચન પાઠવ્યા. વિજયાદશમી પર્વનું મહત્વ સમજાવતા કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રાજેશભાઈ બદ્રીકિયા (મોરબી જિલ્લા સદભાવ સંયોજક) એ પંચ પરિવર્તન અને સંઘના અનુશાસન તથા શિસ્તબદ્ધ વ્યવહાર વિશે માહિતી આપી આવનારા સમયમાં સમાજની સજ્જન શક્તિ સક્રિય રીતે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા કટિબદ્ધ બને તેવી આશા વ્યક્ત કરી. અંતમાં ઉપસ્થિત સૌ બંધુ – ભગિનિઓ, અતિથિઓ, મહાનુભાવો તથા સ્વયંસેવક બંધુઓએ ભાવપૂર્ણ રીતે શસ્ત્ર પૂજન કર્યું હતું.













