Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળિયા તાલુકા કોંગ્રેસની રજુઆત : ખેડૂત દીઠ 300 મણ મગફળી ખરીદી અથવા...

માળિયા તાલુકા કોંગ્રેસની રજુઆત : ખેડૂત દીઠ 300 મણ મગફળી ખરીદી અથવા ભાવ તફાવત જમા કરાવો

મોરબી : માળીયા (મિયાણા) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંદિપ કાલરીયાએ મામલતદાર સાહેબ, માળિયા (મિયાણા)ને પત્ર લખીને ટેકાના ભાવે મગફળીની ખરીદીની નીતિ સામે વિરોધ નોંધાવ્યો છે અને ખેડૂતોના હિતમાં વૈકલ્પિક વ્યવસ્થા લાગુ કરવાની માંગ કરી છે. સમિતિએ રજિસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂત પાસેથી 300 મણ મગફળીની ખરીદી કરવાની અથવા વર્તમાન બજાર ભાવ અને ટેકાના ભાવ વચ્ચેનો તફાવત ખેડૂતોના ખાતામાં સીધો જમા કરાવવાની માંગ કરી છે.

કોંગ્રેસ સમિતિએ કેન્દ્ર સરકારની ટેકાના ભાવે ખરીદીની પદ્ધતિ પર સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે રાજ્ય સરકાર માત્ર ખરીદી એજન્સી તરીકે કામ કરે છે. સમિતિએ કેન્દ્ર સરકાર દ્વારા જ નિયુક્ત કરાયેલી કમિટી, “ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન કમિટી” (ICRIER), ના અહેવાલનો હવાલો આપ્યો છે. આ કમિટીએ ટેકાના ભાવે ખરીદી બંધ કરીને ખેડૂતોને હેક્ટરદીઠ સીધી સહાય આપવાની ભલામણ કરી હતી.

રજૂઆતમાં જણાવાયું છે કે ICRIER કમિટીના અહેવાલ મુજબ, સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટું નુકસાન ભોગવી રહી છે. સરકારને એક ખાંડી (20 મણ) મગફળીની પડતર કિંમત (ખરીદી કિંમત + ખરીદી પ્રક્રિયા ખર્ચ) આશરે રૂ. 39,000 પડે છે, જે પ્રતિ મણ રૂ. 1950 થાય છે. જ્યારે ખુલ્લા બજારમાં વેચાણ કરવામાં આવે છે ત્યારે એક ખાંડીના 17000 થી 18000 જ મળે છે, જે પ્રતિ મણ 850 થી 900 રૂપિયા થાય છે. આ નુકસાન પ્રતિ મણ 1000 થી 1100 જેટલું છે.

પાછલા વર્ષની ખરીદીના આંકડા ટાંકીને જણાવાયું કે પ્રતિ કિલોગ્રામ રૂ. 82.83ની પડતર કિંમત સામે વેચાણ માત્ર 49 થી 55ના ભાવે થયું હતું, જેના કારણે પ્રતિ કિલોગ્રામ રૂ. 32નું નુકસાન થયું, જે પ્રતિ મણ રૂ. 640 જેટલું થાય છે. કોંગ્રેસે દલીલ કરી છે કે આટલું નુકસાન ભોગવવાને બદલે, આ જ રકમ ખેડૂતોના ખાતામાં સીધી જમા કરાવવી જોઈએ. ઉદાહરણ તરીકે, 200 મણની ખરીદી પર 640ના નુકસાન મુજબ, 1,20,000 સીધા ખેડૂતોના ખાતામાં જમા થવા જોઈએ.

રજૂઆતમાં કર્ણાટક અને તેલંગાણા જેવા કોંગ્રેસ શાસિત રાજ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાં ખેડૂતોને ખરીફ અને રવિ પાક માટે પ્રતિ એકરદીઠ વાર્ષિક રૂ. 15,000 થી 16000 સીધા તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે. આ જ મોડેલ કેન્દ્ર સરકારે અપનાવવો જોઈએ તેવી માંગ છે.

માળીયા (મિયાણા) તાલુકા કોંગ્રેસ સમિતિએ સ્પષ્ટ માંગ કરી છે કે જો સરકાર પોતાના મળતિયાઓને સાચવવા માટે જ ખરીદી કરવા માંગતી હોય, તો રજિસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂત પાસેથી 300 મણ મગફળીની ખરીદી કરવી. અથવા, 300 મણથી જેટલી ઓછી ખરીદી કરવામાં આવે તેટલા મણ માટે, ખુલ્લા બજારના ભાવ (850 થી 1,000 પ્રતિ મણ) અને ટેકાના ભાવ (1452.60 પ્રતિ મણ) વચ્ચેનો તફાવત એટલે કે રૂ. 452 પ્રતિ મણ લેખે ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવા જોઈએ. આ રજૂઆત દ્વારા કોંગ્રેસે ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે ખરીદીની નીતિમાં ફેરફાર લાવવા માટે સરકાર પર દબાણ વધાર્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments