મોરબી: દિવાળીના પાવન પર્વ નિમિત્તે મોરબીમાં વસ્ત્રાલય ગૃપ અને તથાસ્તુ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું. મોરબીના ઘુનડા રોડ પર મજૂરીકામ કરીને ગુજરાન ચલાવતા જરૂરિયાતમંદ પરિવારના બાળકોને કપડાં અને નાસ્તાનું વિતરણ કરીને દિવાળીની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.
મુંબઈના એક સેવાભાવી દાતાએ વસ્ત્રાલય ગૃપના માધ્યમથી આ બાળકો માટે ઉદારતાપૂર્વક 124 જેટલા નવા શર્ટ પૂરા પાડ્યા હતા. આ શર્ટનું વિતરણ વસ્ત્રાલય તરફથી હાર્દિકભાઈ પટેલ અને તથાસ્તુ પરિવારના નીરવ માનસેતા, જનાર્દન દવે તથા મિતુલ વડસોલાએ સ્થળ પર જઈને કર્યું હતું. નવા કપડાં અને નાસ્તો મેળવીને બાળકો અને તેમના માતા-પિતાના ચહેરા પર આનંદ છવાઈ ગયો હતો. સેવાભાવી સંસ્થાઓના આ પ્રયાસથી આ પરિવારોની દિવાળીની ખુશી બમણી થઈ હતી.












