Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઆજે ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટનાની ત્રીજી વરસી, હમ યાદો કે ફૂલ ચઢાયે,...

આજે ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટનાની ત્રીજી વરસી, હમ યાદો કે ફૂલ ચઢાયે, ઓર આંસુ કે દીપ જલાયે

ત્રણ વર્ષ પહેલાં દિવાળીના પર્વની રજાઓમાં ખોફનાક દુર્ઘટનાથી મોરબી સન્નાટાનું શહેર બની ગયું, ઝૂલતા પુલ તૂટ્યા બાદ એક પછી એક મૃતદેહો નીકળતા ગયા અને શહેર આખી રાત એમ્બ્યુલન્સના સાયરન અને હૈયાફાટ રૂદનથી ગુંજતું રહ્યું

મોરબી : 30 ઓક્ટોબર 2022ની બિહામણી સાંજે ઝૂલતા પુલ દુર્ઘટના સર્જાય, જેને આજે ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ દુર્ઘટનાને મોરબી ક્યારેય નહીં ભૂલી શકે, મરણચીસોથી ગાજતો મચ્છુ નદીનો પટ્ટ, એમ્બ્યુલન્સના સાયરનોના કાન ફાડી નાખતા અવાજો અને લોકોના ટોળેટોળા વચ્ચે બચાવો….બચાવોના શબ્દો… 135 નિર્દોષ લોકો આંખના પલકારા જેટલા સમયમાં જ ઝૂલતા પુલ ઉપરથી સીધા જ નદીના ઊંડા અને ગંદા પાણીમાં ગરક થઈ મોતને ભેંટ્યા હતા.

મોરબીમાં દર 21 વર્ષે ગોઝારી દુર્ઘટના લખાઈ હોવાની લોકવાયકા વચ્ચે વર્ષ 2022ના ઓક્ટોબર મહિનામાં દિવાળીની રજાના દિવસોમાં પરિવાર સાથે ઝૂલતાપૂલની લટારે આવેલા અનેક પરિવારો માટે 30મી તારીખ અંતિમ બની હતી. ઓવરક્રાઉડને કારણે તા. 30મી ઓક્ટોબર 2022ની સાંજે ઝૂલતો પુલ તૂટી આખું મોરબી હીબકે ચડ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો અને મૃતદેહો સાચવવા માટે હોસ્પિટલના શબઘર પણ ટૂંકા પડયા હતા.બીજી તરફ ગંભીર દુર્ઘટના જોતા કેન્દ્ર-રાજ્ય સરકારે એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની ટીમોને બચાવમાં ઉતારી દીધી હતી અને મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીએ મોરબીમાં જ પડાવ બચાવ કામગીરી કરાવી હતી. સાથે જ દેશના વડાપ્રધાન પણ આ ગોઝારી દુર્ઘટના બાદ પરિસ્થિતિનો ક્યાસ મેળવવા મોરબી આવ્યા હતા.

ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે તત્કાલ ઝૂલતાપૂલનું સંચાલન કરનાર અજંતા ઓરેવા કંપનીના બે મેનેજર સહીત ઝૂલતાપૂલના ટિકિટ ક્લાર્ક, પુલનું રીનોવેશન કરનાર કોન્ટ્રાકટર તેમજ ચોકીદાર સહીત 9 લોકો સામે ગુન્હો નોંધી તમામની ધરપકડ કરી હતી તો સરકારે સમગ્ર ઘટનાની તપાસ માટે એસઆઈટી એટલે કે સીટની રચના કરી નાખી હતી. સમય જતા નામદાર ગુજરાત હાઇકોર્ટે પણ મીડિયા અહેવાલો બાદ સુઓમોટો રીટ પિટિશન દાખલ કરી પીડિત પરિવારોને સરકાર તરફથી યોગ્ય વળતર અને જવાબદાર કંપનીને પણ વળતર ચૂકવવા આદેશ જારી કરી પીડિતોના પરિજનોને તેમજ નિરાધાર બનેલા બાળકો માટે અભ્યાસ અને જીવન નિર્વાહ માટેની વ્યવસ્થાઓ ઉપર ભાર મુક્યો હતો. જો કે, સમય જતાં હાલમાં તમામ આરોપીઓ જામીન મુક્ત બનીને બહાર આવ્યા છે.

આ દુર્ઘટનામાં 135 લોકો મૃત્યુ પામ્યા હતા. ઘણા લોકોએ આખે આખો પરિવાર ગુમાવ્યો હતો. તો કેટલાક પરિવારોએ ઘરના આધારસ્તંભ જુવાનજોધ દીકરાઓ ગુમાવતા મોરબી ખોફનાક સન્નાટાનું શહેર બની ગયું હતું. આખે આખો પરિવાર કે બે ત્રણ સભ્યો ગુમાવનાર પીડિતોની આંખમાંથી આસું હજુ પણ રોકાતા નથી. પળ-પળ દિવગંતોની યાદ સતાવે છે. એમના માટે આ આઘાત કોઈ કાળે જીરવી શકાય એમ જ નથી.

ઘર જ સાફ થઇ ગયું હવે ન્યાય શું કામનો : પંકજભાઈ અમૃતિયા

મોરબીમાં 30 ઓક્ટોબર 2022ના રોજ ઝૂલતાપૂલ દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર-ચાર સભ્યો ગુમાવી દેનાર પંકજભાઈ માવજીભાઈ અમૃતિયા કહે છે કે, એ ગોઝારા દિવસે મારા મોટાભાઈ હરેશભાઇ, ભાભી ધારાબેન, તેમની પુત્રી જેનવીબેન અને નાની દીકરી ભૂમિબેન તેમજ હરેશભાઈના સાઢુ ભાઈના પરિવારના 12 લોકો ઝૂલતાપૂલ ફરવા ગયા હતા જેમાં પુલ તૂટી પડતા મારા ભાઈ અને તેમનો પરિવાર અમારે ગુમાવવો પડ્યો છે. ઘટનાને આજે ત્રણ ત્રણ વર્ષના વહાણાં વીતવા છતાં હજુ સુધી અમે એ ગોજારા દિવસને ભૂલી શક્યા નથી, સરકાર પૈસા આપે કે ન આપે અમારા ઘરના સભ્યો ગુમાવ્યા છે તે હવે પાછા તો આવવાના નથી. જેથી હવે ન્યાય મળે તો પણ શું ફાયદો એવું રોષભેર જણાવ્યું હતું.

આરોપીઓને સજા મળવી જ જોઈએ : પિયુષભાઇ ગડધરીયા

મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં ભાઈ ગુમાવનાર પિયુષભાઇ ભુપતભાઇ ગડધરીયા જણાવે છે કે, એ કાળમુખા દિવસે મારા મોટાભાઈ રાહુલભાઈ તેમના ત્રણ મિત્રો સાથે ઝૂલતાપૂલ ફરવા ગયા હતા અને પુલ તૂટી પડતા મોતને ભેટ્યા હતા. વધુમાં તેઓ જણાવે છે કે, અમે બે ભાઇમાં રાહુલભાઈ મોટા હતા. તે સમયે રાહુલભાઈને ઘેર નવ માસનો પુત્ર હતો જે આજે ચાર વર્ષનો થયો છે. આજે પણ અમારા ઘરમાં માતા-પિતા ભાઈની યાદમાં સતત રડ્યા કરે છે. જો કે, હવે જે થયું તે થયું પણ ન્યાય મળે તો પણ શું ફાયદો. જો કે, તેઓએ ભાઈના મૃત્યુ માટે જવાબદાર આરોપીઓને સજા જરૂરથી મળવી જોઈએ તેમ જણાવ્યું હતું.

પૈસાના જોરે વગદારો ધીમે-ધીમે છટકી રહ્યા છે : શૈલેષભાઇ મકવાણા

મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં એકનો એક પુત્ર પ્રશાંત અને પુત્રવધુ સોનલબેન ગુમાવનાર શૈલેષભાઇ ધીરજલાલ મકવાણા કહે છે કે, ઝૂલતાપૂલ દુર્ઘટનામાં મેં મારુ સર્વસ્વ ગુમાવી દીધું છે, તેઓ જણાવે છે કે, મારા પુત્રએ મોરબીમાં કારખાનું કર્યું હોવાથી મેં મારી ગોપાલ ડેરીમાં નિવૃત્તિ બાદ વર્ષ 2028માં મોરબી સ્થાયી થયા હતા. પરંતુ અમને ક્યાં ખબર હતી કે, મોરબી અમારા માટે અપશુકનિયાળ રહેશે. 30 ઓક્ટોબરે પુત્ર અને પુત્રવધુ મારી દીકરી માધવીબેન સાથે ફરવા ગયા હતા અને પુલ તૂટી પડતા માધવીબેન બચી ગયા હતા અને પુત્ર અને પુત્રવધુના મૃત્યુ થયા હતા.વધુમાં તેઓ કહે છે કે, ન્યાય મળે એવી આશા નથી, રૂપિયાના જોરે ધીમે ધીમે જવાબદાર આરોપી છુટા ફરી રહ્યા છે, અમે નાના માણસો શું કરી શકીએ અમારી પાસે તો દીકરા અને વહુને યાદ કરી રડવા સિવાય કશું નથી, હવે જયારે કેસ આગળ ચાલે ત્યારે ખરું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments