તમામ પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોની પડખે; હાલ કમોસમી વરસાદની પરિસ્થિતિમાં સરકાર સંવેદનશીલ બની કામગીરી કરી રહી છે- શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા
મોરબી જિલ્લામાં ઓક્ટોબર-૨૦૨૫માં પડેલ કમોસમી વરસાદથી થયેલ ખેતીપાકને નુકસાન બાબતે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાની સ્થિતિ અંગે સમીક્ષા કરી મંત્રીશ્રીએ જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, તમામ પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોની પડખે ઊભી છે અને હાલ કમોસમી વરસાદની પરિસ્થિતિમાં સરકાર સંવેદનશીલ બની કામગીરી કરી રહી છે, ત્યારે અધિકારી/કર્મચારીઓએ માનવીય અભિગમ દાખવી ખેડૂતો માટે કામગીરી કરવા જણાવ્યું હતું. નુકસાની સર્વેની કામગીરી સમયમર્યાદામાં કરી કોઈ ખેડૂત સાથે અન્યાય ન થાય તે બાબતે ખાસ તકેદારી રાખવા મંત્રીશ્રીએ તાકીદ કરી હતી. વધુમાં હાલ કેટલી ટીમ છે તે બાબતે માહિતી મેળવી જરૂર પડ્યે ટીમ વધારવા પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં તાલુકાવાર અને પાકવાર ફાઈનલ વાવેતર મુજબ ખરીફ પાક-૨૦૨૫ ની સ્થિતિ, વર્ષ-૨૦૨૫ માં વરસાદની આંકડા, જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનની તાલુકાવાર વિગતો, નુકસાનગ્રસ્ત વિસ્તાર અને સર્વેની જોગવાઈ તથા તેની અમલવારી સહિતના મુદ્દાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, સાંસદશ્રી ચંદુભાઈ શિહોરા, ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, જીતુભાઈ સોમાણી, જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવલદાન ગઢવી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ઉમંગ પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી હિરાભાઈ ટમારીયા અને કારોબારી સમિતિના ચેરમેનશ્રી પ્રવીણભાઈ સોનગ્રા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, પ્રાંત અધિકારીસર્વશ્રી સુશીલ પરમાર, શ્રી ધાર્મિક ડોબરીયા, શ્રી વિપુલ સાકરીયા, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી કુલદીપસિંહ વાળા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષચંદ્ર ભટ્ટ, જિલ્લા ખેતવાડી અધિકારીશ્રી હિમાંશુ ઉસદડીયા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.















