મોરબી : ખીસકોલીવાળા તરીકે જાણીતા મોરબીના પર્યાવરણ પ્રેમી જીતુભાઇ ઠક્કર તમામ પંખી પ્રેમીઓને પંખીને અપાતા ખોરાક વિશે સાવચેત કરતાં જણાવે છે કે, આજકાલ અને વિશેષ તો શહેરોમાં પંખીઓને ચણ ( અનાજ) ખવડાવવાની આપણી મૂળ સાંસ્કૃતિક પરંપરાને આગળ ધપાવવાને બદલે લોકો અનાજની જગ્યાએ વાસી રાંધેલો ખોરાક, તળેલા ફરસાણ જેવા કે ગાંઠિયા-સેવ કે મીઠાઈ જેવી વસ્તુઓ પંખીઓને ખવડાવી રહ્યા છે. આ આદત સંપૂર્ણપણે નુકશાન કર્તા અને પક્ષીઓના આરોગ્ય માટે ખતરો છે.
જીતુભાઇ એ પણ નોંધે છે કે, મોરબીના શંકર આશ્રમ સહિત પક્ષીઓની એકઠા થવાની અનુકૂળ જગ્યાઓએ ચણ અને આવાં અયોગ્ય ખોરાક ખુબ મોટી માત્રામાં લોકો નાંખી જાય છે જે લાંબો સમય પડ્યા રહેવાથી ઝાકળ વરસાદ ધૂળ વગેરે ને કારણે કોહવાઈ જાય છે અને એ પછી પંખીઓની બીમારી અને ક્યારેક મોતનું પણ કારણ બને છે. શિયાળામાં આપણે ત્યાં સિગલ બર્ડ અને રોઝી પેસ્ટર જેવા યાયાવર પંખીઓ પણ આવતા થયા છે ત્યારે આપણે પંખીઓને ક્યાં, કેટલી માત્રામાં અને કેવો ખોરાક આપવો જોઈએ તે બાબત તમામ જાગૃતિ કેળવીએ અને એ રીતે ખોરાકનો બગાડ અટકાવીએ અને પંખીઓને માંદા પડતા પણ અટકાવીએ એવી સૌને આગ્રહભરી વિનંતી છે. આ બાબત વધુ વિગતો માટે જીતુભાઇને મો – 92285 83743 પર કોન્ટેક્ટ કરી શકો છો.













