મોરબી : કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ સંચાલીત મોરબીમાં આવેલા વૃદ્ધાશ્રમની મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મુલાકાત લઈ ત્યાં રહેતા વડીલો સાથે વાર્તાલાપ કરી ખબર અંતર પુછીને તેઓની સાથે પ્રસાદ લીધો હતો. ઉપરાંત વૃદ્ધાશ્રમની વિઝીટ બુકમાં પણ તેઓએ ખાસ ઉલ્લેખ કરી તમામ માવતરો ભોજનની ગુણવત્તા તથા રહેવાની સગવડતા સહિતની તમામ વ્યવસ્થાથી ખુશ અને સંતુષ્ટ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
માવતરોને પ્રણામ કરીને આશીર્વાદ પણ મેળવતા ઉપસ્થિત તમામ લોકો ભાવવિભોર બની ગયા હતા. વૃદ્ધાશ્રમના વહીવટથી કલેકટરને સંતોષ થયો હતો અને માવતરો જયાં રહે છે તે બધા રૂમ સાથે કોઠાર, રસોડા સાથે ભોજન શાળા, કસરતને લગતા સાધનો વગેરેની ઝીણવટભરી કામગીરીની નોંધ લીધી હતી.
કલેકટર સાથે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી (ઈન્ચાર્જ) જયપાલસિંહ ચૌહાણ, મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલભાઈ સેરસીયા તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા વૃદ્ધાશ્રમના સુપ્રી. પરેશભાઈ કીકાણી તથા કીરણબા વી. વાઘેલાએ સાથે રહીને તમામ બાબતોથી માહિતગાર કર્યા હતા. તમામ વૃધ્ધોને પ્રત્યક્ષ મળી તેઓને આપવામાં આવતી સુવિધાઓ, સુરક્ષા, ભોજન, કાળજી, સ્વચ્છતા બાબતોએ સંવાદ કરવામાં આવ્યો હતો અને કોઠાર તથા દવાખાનાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા મોરબીના જિલ્લા ન્યાયધીશ મયંક શાહે પણ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને માવતરોના આશિર્વાદ મેળવ્યા હતા. કલેક્ટરે સ્પષ્ટ જણાવ્યું હતું કે, તમામ માવતરોના મોઢા ઉપર ખુશી દેખાય છે અને સૌ ખુશનુમા વાતાવરણમાં આનંદ પ્રમોદ કરતા હોવાનું માલુમ પડે છે. જેથી પોતે પણ ખુશ થયા હતા.














