મોરબી-માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ ની સુવિધા વધારવા રૂ. 5 કરોડના ચેકડેમ નિર્માણ અને તળાવ રીચાર્જના કામ મંજુર
મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા અનેક ગામડામાં સિંચાઈ ની સગવડ ન થતા ખેડૂતો ખેતી મુકીને શહેરો તરફ વળ્યા છે મોટા ભાગના ગામડા ખાલી થવા લાગ્યા છે ત્યારે ખેતર લીલાછમ રહે તે માટે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈના પાણીની સુવિધા વધારો કરવા આગળ વધી છે મોરબી માળીયાના ધારાસભ્ય અને મંત્રી કાન્તીભાઈ અમૃતિયાના માર્ગદર્શનમાં મોરબી માળિયા તાલુકાના ગામમાં સિંચાઈની સુવિધા વધારો કરવા એક ચેક ડેમ નિર્માણ અને માળીયાના વિવિધ ગામના તળાવને રીચાર્જ કરવાના કામને મંજુરી આપવામાં આવી છે.
મોરબી તાલુકાના જેતપર-શાપર ગામ વચ્ચેથી પસાર થતી ધોડધ્રોઈ નદીમાં વરસાદી પાણી નો સંગ્રહ થઇ શકે તે હેતુથી 2,04,92,900 રૂપિયાના ખર્ચે ચેકડેમ બનાવવાની કામગીરીને રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને જેતપર અને શાપર ગામ વચ્ચે નદીમાં આશરે 103 મીટર લંબાઈમાં ક્રોંક્રીટનો ચેકડેમ બાંધવાથી ઉપરવાસમાં 1 કિલોમીટર જેટલો પાણીનો ભરાવો થવાથી અંદાજીત 2.90 MCFT પાણીના જથ્થાનો સંગ્રહ થઈ શકશે તેનો કુલ કેચમેન્ટ એરીયા 212 ચો. કિમી જેટલો રહેશે. ચેક ડેમ નિર્માણથી જેતપર અને શાપર ગામની આશરે 100.00 હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનો લાભ મળવાની આશા વ્યક્ત કરાઈ છે.
આ ઉપરાંત મચ્છુ-૩ સિંચાઈ યોજનાની મુખ્ય કેનાલના છેવાડેથી માળિયા મિયાણા તાલુકાના મોટીબરાર-જસાપર ગામના તળાવના કામને સરકારમાંથી આશરે 3,03,24,883 રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. જેથી મોટી બરાર, જસાપર, નાની બરાર, દેવગઢ અને જાજાસર ગામના તળાવને મેઇન કેનાલના છેવાડેથી પાઈપલાઈન દ્વારા એસ્કેપથી જોડી પાણીથી ભરી ગામોની અંદાજે 500.00 હેક્ટર ખેતીલાયક જમીનમાં ખેડૂતોને સિંચાઇનો લાભ મળશે. મચ્છુ-૩ સિંચાઈ યોજનાની ચાર માઇનોર કેનાલના એસ્કેપના કામો પૈકી બાકી રહેલ એક માઈનોર કેનાલ એસ્કેપનું કામ એમટુઆર માઈનોર કેનાલ છેવાડેથી પાણીના નિકાલ માટે એસ્કેપ દ્વારા માળિયાના મેઘપર ગામના તળાવને ભરવાની કામગીરી કરાશે. જેના માટે સરકાર દ્વારા આશરે 50,65,240 રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે. આ તળાવ ભરવાથી મેઘપર ગામના તળાવની આસપાસની 150.00 હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનો લાભ મળશે અને કુવાઓ ચાર્જ થશે અને જમીનના પાણીના તળ ઉંચા આવશે.











