મોરબી: સૌરાષ્ટ્રની પાવન ભૂમિ અનેક સંતો-મહાપુરુષોની કર્મભૂમિ રહી છે, ત્યારે મોરબીમાં થઈ ગયેલા સંત શ્રી કેશવાનંદ બાપુની આજે 26મી પુણ્યતિથિ છે. આ પુણ્યતિથિ નિમિત્તે મોરબીના શાંતિવન આશ્રમ ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમના આયોજક શાસ્ત્રીજી રમેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, સદગુરુ કેશવાનંદ બાપુની 26મી પુણ્યતિથિ નિમિત્તે આખો દિવસ ભક્તિમય માહોલ રહેશે. જેમાં સવારે 06:00 વાગ્યે ગુરુ પૂજનથી કાર્યક્રમોની શરૂઆત કરાઈ હતી. ત્યારબાદ ગુરુ યાગ, સત્યનારાયણ ભગવાનની કથા અને મહાપ્રસાદ તેમજ રાત્રિના સંતવાણી કાર્યક્રમ યોજાશે.
શાસ્ત્રીજીના જણાવ્યા અનુસાર, બાપુના અનેક પરચા છે, જો કોઈ દુઃખી કે પીડિત વ્યક્તિ જો બાપુનું સ્મરણ કરે તો પણ તેની પીડા હરાઈ જાય છે. મોરબી અને આજુબાજુના તમામ ભાવિક ભક્તો હાલ બાપુના દર્શન કરી આશીર્વાદ મેળવી રહ્યા છે. ત્યારે શાંતિવન આશ્રમ તરફથી સર્વોને દર્શન, મહાપ્રસાદ અને સંતવાણીનો લાભ લેવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.














