યુવાને ઉંચા વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજ ચૂકવી ન શકતા વ્યાજખોરોએ બે ફ્લેટના બળજબરીથી દસ્તાવેજ કરાવી લીધા
મોરબી : મોરબીના રવાપર રોડ પર રહેતો યુવાન જુગારમાં રૂપિયા 22 લાખ હારી ગયા બાદ આ રકમ ચૂકવવા અલગ અલગ ત્રણ વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજની રકમ નહિ ચૂકવી શકતા એક વ્યાજખોરે બે ફ્લેટના બળજબરીથી દસ્તાવેજ કરાવી લઈ વ્યાજખોરોએ ધાક ધમકી આપી જાનથી મારી નાખવા ધમકી આપતા વ્યાજખોરોનો ભોગ બનેલા યુવકના પત્નીએ ચાર આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મોરબીના રવાપર રોડ પર ઉમિયા સોસાયટીમાં રહેતા ડિમ્પલબેન અમિતભાઇ વડગામા ઉ.વ 37 નામના પરિણીતાએ આરોપી, દિપકસિંહ વાઘેલા રહે.નાની બજાર, મોરબી, આકાશ કાથરાણી રહે. રાજકોટ, રમેશભાઇ રામભાઇ બોરીચા રહે.ચિત્રકુટ પાછળ, પંચવટી સોસાયટી, કન્યા છાત્રાલય રોડ, મોરબી અને આરોપી, ભગવાનભાઇ કુંભરવાડીયા રહે.-શીવ શક્તિ સોસાયટી, રવાપર ધુનડા રોડ, મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ડિમ્પલબેન ફરિયાદમાં જાહેર કર્યું હતું કે, તેમના પતિ અમિતભાઇ આરોપી દીપકસિંહ વાઘેલા પાસે રૂ.22 લાખ જુગારમાં હારી જતા રાજકોટના આકાશ કાથરાણી પાસેથી દસ લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતા.બાદમાં આરોપી આકાશે ધાક ધમકી આપી બળજબરીથી બે ફ્લેટના વેચાણ દસ્તાવેજ કરાવી લીધા હતા.આ ઉપરાંત આરોપી આરોપી રમેશભાઈ રામભાઈ બોરીચા પાસેથી સાડા પાંચ લાખ અને આરોપી ભગવાનભાઈ કુંભારવાડિયા પાસેથી અઢી લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજે લઈ બે માસથી વ્યાજ નહિ ચૂકવી શકતા તમામ આરોપીઓએ ડિમ્પલબેનના પતિ અને સસરાને ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપતા હોય ફરિયાદ નોંધાવી હતી.બનાવ મામલે સીટી એ ડીવીઝન પોલીસે નાણાં ધીરધાર તેમજ બીએનએસ કાયદા મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










