બનાસકાંઠાના થરાદથી દ્વારકા તરફ જતા પદયાત્રિકોને ટ્રક ચાલકે કચડયા : એકને ઇજા પહોંચતા મોરબી સારવારમાં
મોરબી : માળિયા મિયાણાના પીપળીયા ચાર રસ્તા નજીક આજે વહેલી સવારે પદયાત્રીકોને એક ટ્રકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 4 પદયાત્રીકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે એક પદયાત્રીકને ઇજા પહોંચતા સારવાર માટે મોરબી ખસેડાયો હોવાનું જાણવા મળે છે.
માળિયા મિયાણાના પીપળીયા જવાના રસ્તા નજીક શિવમ હોટલ પાસે આજે વહેલી સવારે એક ટ્રક ચાલકે બનાસકાંઠાના થરાદ તરફથી દ્વારકા તરફ જઈ રહેલા પદયાત્રીકોને હડફેટે લીધા હતા. જેમાં ઘટના સ્થળે જ 4 પદયાત્રીકોના મૃત્યુ થયા હતા. વધુમાં આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા પહોંચતા તેને મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ 108 અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્ત તેમજ મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કુલ 13 પદયાત્રીઓ 11 તારીખે અધગામથી પદયાત્રાએ નીકળ્યા હતા. આ તમામ પદયાત્રીઓ કૌટુંબિક ભાઈઓ તથા સગા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ગોઝારા અકસ્માતમાં અમરાભાઈ લાલાભાઈ ચૌધરી (ઉ.વ. 60) અને ચૌધરી ભગવાનભાઈ લાલાભાઈ (ઉ.વ.65) બંને રહે. ગામ નવાગામ, તાલુકો દિયોદર તેમજ ચૌધરી હાર્દિક માળાભાઈ અને ચૌધરી દિલીપભાઈ રાયાભાઈ રહે. ગામ અધગામ, તાલુકો કાકરેચવાળાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે નરસંગભાઈ સગથાભાઇ પટેલ ઉ.વ. 50 રહે. ગામ નવા દિયોદરને ઇજાઓ પહોંચી હતી. નારણકા ગામના સુરેશભાઈ ગામીએ જણાવ્યું કે આ પદયાત્રીઓ દ્વારકા જતા હતા. નરસંગભાઈ સ્વાધ્યાય પરિવારમાં મારી સાથે સંપર્કમાં હતા. તેઓનો ફોન આવતા અમે કાર લઈને ગયા હતા. નરસંગભાઈ ઇજાગ્રસ્ત હોવાથી તુરંત તેમને લઈ ક્રિષ્ના હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યારે 108 મોડી પહોંચી હતી. હાલ નરસંગભાઈ ભયમુક્ત છે.











