મોરબી સ્થિત બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા આગામી 28/12/2025 ને રવિવારના રોજ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ગ્રુપનો 29મો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ, તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ અને બ્લડ ડોનેશન કેમ્પ એકસાથે યોજાશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન પટેલ સમાજ વાડી, નાની વાવડી ગામે બપોરે 3 કલાકે કરવામાં આવ્યું છે.
આ મંગલ કાર્યક્રમને નકલંક મંદિર, બગથળાના મહંત દામજી ભગત દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકશે. સ્નેહ મિલન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ જામશે, જેમાં ગ્રુપના ભાઈઓ અને બહેનો દ્વારા ચઢિયાતા રાસ રજૂ કરવામાં આવશે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં કુલ 11 કૃતિઓનો સમાવેશ થાય છે, જેમાં એક નાનું નાટક પણ છે. ગ્રુપની વિશેષતા એ છે કે તેમાં બગથળા ગામની તમામ જ્ઞાતિના કુટુંબો સભ્ય છે.
બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા મોરબીમાં વસતા તમામ બગથળાવાસીઓને આ ઉમદા કાર્યક્રમમાં સમયસર પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જેથી કાર્યક્રમ સમયસર શરૂ થઈ શકે અને ઠંડીમાં સૌ કોઈ વહેલા ઘરે પરત ફરી શકે. આ ઉપરાંત, આયોજકોએ નવા આવેલા કે ગયા વર્ષે સભ્ય ન હોય તેવા બગથળાના કુટુંબોને જાણ કરીને સાથે લાવવા માટેની પણ અપીલ કરી છે.










