Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનિવૃતિ પછી પણ દેશ સેવા માટે પ્રવૃતિ કરતા આર્મીમેન: મારું સપનું છે...

નિવૃતિ પછી પણ દેશ સેવા માટે પ્રવૃતિ કરતા આર્મીમેન: મારું સપનું છે મોરબીની દીકરીઓ વર્દી પહેરે: સહદેવસિંહ ઝાલા

મોરબીમાં લોકરક્ષક, પોલીસ ભરતી તેમજ અન્ય સુરક્ષા દળોમાં જોડાવા ઇચ્છુક સર્વ જ્ઞાતિની બહેનો માટે ‘મિશન ખાખી 2025-26’ અંતર્ગત નિ:શુલ્ક ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહેલા આ કેમ્પ દ્વારા ઉમેદવારોને માત્ર દોડની પ્રેક્ટિસ પૂરતી નહીં, પરંતુ યોગ્ય ટેકનિક, સ્ટેમિના વધારવાની પદ્ધતિ અને વૈજ્ઞાનિક આહારના માર્ગદર્શન સાથે સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવી રહી છે.

કેમ્પમાં પ્રોફેશનલ રનિંગ કોચિંગ દ્વારા શ્વાસ લેવાની સાચી રીત, દોડવાની ટેક્નિક, સ્ટેમિના વધારવા માટેની ખાસ કસરતો, ઇજાથી બચાવ તેમજ સમય વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી ઉમેદવારો 1600 મીટરની દોડ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી શકે. સાથે જ દરેક બહેનને વ્યક્તિગત સાયન્ટિફિક ડાયટ ચાર્ટ આપવામાં આવે છે, જેમાં પ્રોટીન, વિટામિન્સ અને ઊર્જાથી ભરપૂર ખોરાક અંગે માહિતી આપવામાં આવે છે. દર અઠવાડિયે ઉમેદવારોની પ્રોગ્રેસ ટ્રેકિંગ કરવામાં આવે છે, જેમાં વજન, ઊંચાઈ અને દોડના સમયનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ કેમ્પ સવારે 5:45 થી 7:45 એલી ગ્રાઉન્ડ, મોરબી ખાતે તથા સાંજે 4:45 થી 6:45 ક્રિષ્ના ગ્રાઉન્ડ, બાયપાસ રોડ, પંચાસર ચોકડી નજીક યોજાઈ રહ્યો છે.

આ સમગ્ર તાલીમનું માર્ગદર્શન નિવૃત ઓનરરી સુબેદાર મેજર સહદેવસિંહ પી. ઝાલા દ્વારા આપવામાં આવે છે, જેમને આર્મીમાં 28 વર્ષનો વિશાળ અનુભવ છે. તેમણે જણાવ્યું હતું કે, “શરીર મજબૂત હશે તો જ જીત નિશ્ચિત છે. યોગ્ય આહાર અને સખત મહેનત એ જ સફળતાની ચાવી છે.” તેમનું સપનું છે કે મોરબીની વધુમાં વધુ દીકરીઓ વર્દી પહેરે અને સિવિલ સર્વિસમાં જોડાય. હાલ આ કેમ્પમાં કુલ 88 જેટલી બહેનો તાલીમ લઈ રહી છે. મોરબીમાં ગ્રાઉન્ડ અને ખાસ કરીને વહેલી સવારે લાઈટની સુવિધાનો અભાવ હોવા છતાં, દીકરીઓ દ્રઢ આત્મવિશ્વાસ સાથે તાલીમ લઈ રહી છે. પોલીસ તથા અન્ય સુરક્ષા દળોમાં જોડાવા ઇચ્છુક બહેનો માટે આ કેમ્પ એક સુવર્ણ તક સાબિત થઈ રહ્યો છે.

મારું સપનું છે મોરબીની દીકરીઓ વર્દી પહેરે”: સહદેવસિંહ ઝાલા

મોરબી ડેઈલી સાથે વાતચીત દરમિયાન નિવૃત આર્મીમેન સહદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મેં ૨૮ વર્ષ આર્મીમાં ફરજ બજાવી છે. શરૂઆતથી જ રનિંગ મારો શોખ રહ્યો છે અને આ જ એલી ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરીને હું આર્મીમાં ભરતી થયો હતો. મેં મોરબીમાં સર્ચ કર્યું ત્યારે જાણવા મળ્યું કે છોકરાઓ પોતાની રીતે તૈયારી કરી શકે છે, પરંતુ યુવતીઓને યોગ્ય માર્ગદર્શન અને કોચિંગની જરૂર છે. તેથી મેં યુવતીઓનું એક ગ્રૂપ બનાવ્યું. મારું સપનું છે કે મોરબીની વધુમાં વધુ દીકરીઓ વર્દી પહેરે અને સિવિલ સર્વિસમાં જોડાય.

અમે રનિંગની શરૂઆત ૧૦-૧૨ મિનિટના નોર્મલ વોર્મ-અપથી કરીએ છીએ. ત્યારબાદ રનિંગ વિશે માહિતી આપવામાં આવે છે કે કેટલા રાઉન્ડ મારવા, સ્ટેમિના કેવી રીતે વધારવો અને શ્વાસ ફૂલે તો શું કરવું. જે યુવતીઓ દોડવામાં નબળી હોય, તેમને હું સાથે દોડાવીને પ્રોત્સાહિત કરું છું. રનિંગ પછી કૂલ-ડાઉન એક્સરસાઇઝ અને સ્ટ્રેચિંગ કરાવવામાં આવે છે જેથી શરીર એક્ટિવ રહે અને કોઈ ઈજા ન થાય.

મેં તમામ યુવતીઓને એક ડાયટ ચાર્ટ આપ્યો છે. જેમાં બહારનું ખાવાનું ટાળીને સવારે પલાળેલા ચણા, મગ, કાજુ-બદામ, ખજૂર અને સીઝનલ ફ્રુટ્સ લેવા પર ભાર મૂકવામાં આવે છે, જેથી શરીરને પૂરતી તાકાત અને સ્ટેમિના મળી રહે.

દરેક ભરતીના સિલેબસ અલગ હોય છે. ગુજરાતની ભરતીમાં ગુજરાત લેવલનું સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ વધુ પૂછાતું હોય છે. હું તમામ યુવતીઓને સંપૂર્ણ સિલેબસ અને મટીરિયલ નિ:શુલ્ક પૂરું પાડું છું અને તેમને જી.પી.એસ.સી (GPSC) લેવલની તૈયારી માટે પણ માર્ગદર્શન આપું છું.

અમે સૌ પ્રથમ તેમની હાઈટ માપીએ છીએ. જો કોઈની હાઈટ ઓછી હોય તો તેને હાઈટ વધારવા માટેની કસરતો શીખવીએ છીએ. વજનમાં સામાન્ય રીતે કોઈ મોટી સમસ્યા આવતી નથી. રનિંગમાં નક્કી કરેલા સમયમાં દોડ પૂર્ણ કરવી જરૂરી હોય છે.

“વહેલી સવારે લાઈટ ન હોવાથી તાલીમમાં મોડું શરૂ કરવું પડે છે”: સહદેવસિંહ ઝાલા

જ્યારે મોરબી ડેઈલી દ્વારા નિવૃત આર્મીમેન સહદેવસિંહ ઝાલાને ગ્રાઉન્ડની સુવિધા અંગે પુછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, મોરબીમાં ગ્રાઉન્ડનો અભાવ છે તે વાત સાચી છે. ખાસ કરીને વહેલી સવારે લાઈટની સુવિધા ન હોવાથી યુવતીઓને મુશ્કેલી પડે છે. અંધારામાં યુવતીઓ સુરક્ષિત અનુભવતી નથી, તેથી અમારે અજવાળું થાય ત્યારે જ પ્રેક્ટિસ શરૂ કરવી પડે છે. ગયા વર્ષે સંખ્યા ઓછી હતી, પણ અત્યારે કુલ ૮૮ યુવતીઓ તાલીમ લઈ રહી છે. હું સવારે એલી ગ્રાઉન્ડ પર અને સાંજે ક્રિષ્ના ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરાવું છું.

લાઈટ અને ગ્રાઉન્ડની મુશ્કેલી વચ્ચે પણ પ્રેક્ટિસ ચાલુ: મિત્તલ ભાનુશાળી

પોલીસ ભરતીની તૈયારી કરતી યુવતી મિત્તલ ભાનુશાળી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે છેલ્લા દસ પ્લસ દિવસથી અહીંયા તૈયારી કરી રહ્યા છીએ. આ મોરબીનું એલી ગ્રાઉન્ડ છે. ખાસ એક એવી રિક્વેસ્ટ છે કે અમે પાંચ વાગ્યાના આવી ચૂક્યા હોઈએ છીએ, લાઈટની ફેસિલિટી નથી આપવામાં આવેલી અને ગ્રાઉન્ડ જે છે તે જોઈ એટલું ક્લિયર નથી. અમે લોકા ઘણી વખત પાણાના કારણે પડી જતા હોઈએ છીએ. પાણી જે છે મેળો ભરાણો હતો તો તેનો નિકાલ બરાબર નથી થયો. અને રહી વાત પ્રેક્ટિસની, તો જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે 200 મીટર પણ માંડ થતું હતું અને અત્યારે જે છે તે કમ્પ્લીટ 600 મીટર, 1700 મીટર કમ્પ્લીટ થઈ જાય છે. પ્રોપર વોર્મ અપ થાય છે, આફ્ટર વોર્મ અપ પણ થાય છે. ઓલ થેન્ક્સ ટુ ઝાલા સહદેવ સર.”

સર પર્સનલી ધ્યાન આપે છે, એટલે આત્મવિશ્વાસ બમણો થયો: શ્રેયા પટેલ

શ્રેયા પટેલ નામની યુવતીએ જણાવ્યું હતું કે, હું ગઈ ભરતીમાં પણ અહીંયા જ મેં તૈયારી કરી હતી. મારે ઓલી વખત ક્લિયર થઈ ગયું હતું 09:23 માં. આ વખત પણ સરના સપોર્ટથી થઈ જશે. હજી કાલ જ મને સરે સમજાવી હતી. બે દિવસ મેં રજા પાડી પણ સર કહે કે થઈ જશે, થઈ જશે. હજી કાલ જ મને સર કે, “બે દિવસ કેમ નહોતી આવી?” સર પર્સનલી ધ્યાન આપે છે અને પ્લસમાં પર્સનલી નામ સહિત ઓળખે છે કે, “તમે આજ કેમ નહોતા આવ્યા?” મારુ ટૂંકમાં કહેવાનું એટલું કે જે સર ફ્રી તાલીમ કરાવે છે એનો મોરબીની બહેનો લાભ લ્યો અને સર પાસ કરાવી દેશે. સર ઉપર વિશ્વાસ રાખો, તમારો તમારા ઉપર વિશ્વાસ ન હોય તો કાઈ નહિ. અમારે અમારો ટાઈમ અહીંયા 05:50 થી સ્ટાર્ટ થાય છે પણ લાઈટના અભાવના કારણે અમારે લેટ સ્ટાર્ટ કરવું પડે છે. ગ્રાઉન્ડમાં બહુ પ્રોબ્લેમ પડે છે કારણ કે અહીંયા લાઈટની સુવિધા નથી. એટલે એ રીતનું છે એટલે અમારે લેટ પછી જવાનું પણ લેટ થાય છે અને લેટ સ્ટાર્ટ કરવું પડે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments