મોરબી: ઓમ શાંતિ ઇંગ્લિશ મિડિયમ (OSEM) GSEB શાળાએ શિક્ષણ અને ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રે નવીન પહેલ કરતાં બે મહત્વપૂર્ણ કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ કાર્યક્રમો નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020 અને ‘વિકસિત ભારત 2047’ના વિઝન સાથે સુસંગત રહ્યા હતા.
OSEM શાળાએ મોરબી જિલ્લામાં પ્રથમવાર “શાર્ક ટેન્ક 1.0” નામનો ઉદ્યોગસાહસિક કાર્યક્રમ યોજ્યો હતો. આ પ્લેટફોર્મ પર વિદ્યાર્થીઓએ પોતાની પ્રોડક્ટ માર્કેટિંગ સ્ટ્રેટેજી, કૉસ્ટિંગ અને લાઇવ ડેમો સાથે રજૂ કર્યા હતા. ટ્રસ્ટી સુમંતભાઈના સતત સહકાર અને પ્રિન્સિપાલ સના કાઝીના (મેન્ટર-ઇન-ચીફ) નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.
કાર્યક્રમમાં મહેમાનો તરીકે જયંતિલાલ પટેલ (પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ, મોરબી) અને જિતેન આગચાણિયા (એડવોકેટ, પૂર્વ ઉપપ્રમુખ – મોરબી બાર એસોસિએશન) ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓના પ્રેઝન્ટેશનનું મૂલ્યાંકન કરવા માટે જ્યુરી પેનલમાં કનૈયાલાલ બાવરવા, કેયુર ભુવા, સી.એસ. ભાવિન ચંદારાણા, શૈલેશ પટેલ અને ડૉ. ધવલ વ્યાસ જેવા ઉદ્યોગ અને શિક્ષણ જગતના નિષ્ણાતો જોડાયા હતા.
કોમર્સ ફેસ્ટના બીજા દિવસે શાળાએ “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)” વિષયક વિશેષ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. પ્રિન્સિપાલ સના કાઝીના માર્ગદર્શન હેઠળ કોમર્સ ટીમના શિક્ષકોએ આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ AI આધારિત પ્રેઝન્ટેશન, સ્કિટ અને ડિબેટ દ્વારા ટેક્નોલોજીના ઉપયોગ અને માનવ જીવન પર તેના પ્રભાવને અસરકારક રીતે રજૂ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જ્યુરી તરીકે CA નીરવ હિરાણી, CA ટ્વિંકલ શાહ અને CA આરતી સોનાગરાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ટ્રસ્ટી સુમંતભાઈ આ બંને કાર્યક્રમોમાં ટીમ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની પ્રશંસા કરી હતી, જે યુવા પેઢીને ભવિષ્ય માટે તૈયાર કરવાના શાળાના સંકલ્પને દર્શાવે છે.














