મોરબીના મયુરપુલ નીચે મકરસંક્રાંતિની રાત્રીએ ફુગ્ગાના ધંધાર્થી વૃદ્ધની પુત્રી સાથે પ્રેમસંબંધ ધરાવતા યુવકે લગ્ન માટે પ્રસ્તાવ મુકતા બન્ને પક્ષે થયેલ ઝઘડામાં ચાર આરોપીઓએ વૃદ્ધને ઢસડી જઈ છરીના ઘા ઝીકી દેતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ ચારેય શખ્સોને ઝડપી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મયુરપુલ નીચે રહેતા મૂળ ટંકારા તાલુકાના સાવડી ગામના વતની ફરિયાદી મનોજભાઈ કાસુભાઈ ચાડમિયા ઉ.વ.22 નામના યુવકે આરોપી અજય રમેશભાઈ હઠીલા, અજય જાનૈયાભાઈ ખરાડી, બંટી હેન્ડરિયાભાઈ ડામોર અને આરોપી દિપુ જાનૈયાભાઈ ખરાડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તા.14ની રાત્રીના સમયે આરોપી અજય રમેશભાઈ હઠીલાને ફરિયાદીની બહેન ગીતા સાથે પ્રેમસંબંધ હોય લગ્ન કરવાની વાત કરતા ઝઘડો થયો હતો.બાદમાં આરોપીઓએ પથ્થરના ઘા કરી ફરિયાદીના પિતા કાસુભાઈને ઢસડી બાવળની કાટમાં લઈ જઈ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દેતા મૃત્યુ નીપજ્યું હતું. આ કેસમાં બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.











