મોરબીના મહેન્દ્રનગર હનુમંત એપાર્ટમેન્ટ વિસ્તારમાં રહેતા ભગવાનજી મનજીભાઈ વિડજાએ તેમના પુત્રના આપઘાત મામલે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને અરજી કરી, જવાબદાર આરોપીઓને કડકમાં કડક સજા આપવા તથા પરિવારને ન્યાય અપાવવાની માંગ કરી છે.
અરજીમાં જણાવ્યા અનુસાર ભગવાનજી વિડજાના 36 વર્ષીય યુવાન પુત્ર વિપુલ ભગવાનજી વિડજાએ તા. 14/12/2025ના રોજ આપઘાત કરી લીધો હતો. આપઘાત પૂર્વે લખાયેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં વિપુલે ત્રણ ઈસમો આશિષ રમેશભાઈ પાડલિયા, હિતેશભાઈ વાસુદેવ દસાડીયા અને કમલેશ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવીયા દ્વારા સતત ત્રાસ આપવામાં આવતો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો.
સ્યુસાઇડ નોટના આધાર પર મૃતકના બનેવીએ મોરબી સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ આશિષ પાડલિયાએ સોલારના ધંધા માટે નાણાંની માંગ કરી હતી, જેમાં પહેલા રૂ.7.50 લાખ અને બાદમાં રૂ. 31.50 લાખ નોટરી લખાણ સાથે આપવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ અલગ-અલગ તબક્કે ઓનલાઈન રૂપિયાની લેવડદેવડ કરી કુલ રૂ. 1.26 કરોડ આપવામાં આવ્યા હોવા છતાં આરોપીએ નાણાં પરત આપ્યા નહોતા.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે મૃતક વિપુલ દ્વારા આરોપીઓ પાસે રૂપિયાની ઉઘરાણી કરાતા તેમને ધમકીઓ આપવામાં આવી હતી કે “પૈસા ભૂલી જજો, નહીં તો જીવથી મારવાની તથા ખોટા વ્યાજના કેસમાં ફસાવી દેવાની” ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત પરિવારના સભ્યો પર ખોટા કેસ કરવાની ધમકીથી મૃતક માનસિક ત્રાસમાં આવી ગયો હતો.
પિતાએ તેમના અરજમાં વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું છે કે પુત્ર પર થયેલા ગંભીર માનસિક ત્રાસના કારણે તેને અંતિમ પગલું ભરવું પડ્યું. પુત્રની અચાનક વિદાયથી પરિવાર અતૂટ આઘાતમાં છે અને આ નુકસાન ક્યારેય પૂરું થવાનું નથી. ભગવાનજી વિડજાએ ગૃહમંત્રી સમક્ષ માગણી કરી છે કે આવા “અહેસાન ફરામોસ તત્વો” સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ યુવાન આ પ્રકારનું ગંભીર પગલું ભરવા મજબૂર ન થાય. તેમણે જણાવ્યું છે કે આરોપીઓને કડક સજા મળશે ત્યારે જ તેમના પુત્રના આત્માને શાંતિ મળશે.











