Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં ‘જલ અર્પણ દિવસ’ની ઉજવણી કરાઈ: ગ્રામજનોએ લીધા જલ...

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં ‘જલ અર્પણ દિવસ’ની ઉજવણી કરાઈ: ગ્રામજનોએ લીધા જલ સંકલ્પ

નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે રૂ. ૩૧.૮૫ લાખના ખર્ચે નવનિર્મિત યોજનાની જલ અર્પણ વિધિ કરાઇ

લાલાપર ગામના ૭૯૨ પરિવારોને શુદ્ધ પેયજળની સુવિધા; ૨૦ લાખ લીટરની ક્ષમતા ધરાવતી ઊંચી ટાંકી અને આધુનિક પમ્પિંગ મશીનરી સાથેની યોજના કાર્યરત

ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લાલપરની શાળામાં પાણીનો ટાંકો બનાવવાની જાહેરાત કરાઈ

રાજ્યના પ્રત્યેક નાગરિકને ઘર આંગણે શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી મળી રહે તેવા સરકારશ્રીના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ‘જલ અર્પણ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે મોરબી તાલુકાના લાલાપર ગામે ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં વાસ્મો દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભડીયાદ જૂથ યોજનામાં સમાવિષ્ટ રૂ. ૩૧,૮૫,૫૮૫ ના ખર્ચે તૈયાર થયેલી પીવાના પાણીની યોજનાની મહાનુભાવોએ જલ અર્પણ વિધિ કરી કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજે છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચ્યા છે. ભૂતકાળની પાણીની વિકટ પરિસ્થિતિને યાદ કરતા તેમણે ઉમેર્યું હતું કે, આજે નર્મદાના નીર અને ‘નલ સે જલ’ યોજના થકી ગામડાઓની ચિંતા દૂર થઈ છે અને ઘરે-ઘરે શુદ્ધ પાણીની સુવિધા ઉપલબ્ધ બની છે. આ તકે તેમણે લાલપર ગામની શાળા માટે પોતાની ગ્રાન્ટમાંથી પાણીનો ટાંકો બનાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. વાસ્મોની કામગીરીને બિરદાવતા તેમણે મોરબીના યુનિટ મેનેજરશ્રી મહેશ દામાને રાજ્યકક્ષાએ મળેલા શ્રેષ્ઠ એવોર્ડ બદલ મોરબી જિલ્લા વાસ્મોની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. અંતમાં, તેમણે સુવિધાસભર લાલાપર ગામના નાગરિકોને ૧૦૦ ટકા પાણી વેરો ભરી જવાબદાર નાગરિક તરીકે સહયોગ આપવા ખાસ અનુરોધ કર્યો હતો.

આધુનિક માળખાકીય સુવિધાઓના વિકાસ અંતર્ગત લાલાપર ગામની અંદાજિત ૭૦૦૦ની વસ્તીને ધ્યાનમાં રાખીને સુદ્રઢ માળખું ઉભું કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે રૂ. ૨૯.૮૭ લાખના ખર્ચે ૨૦ લાખ લીટર ક્ષમતાની નવનિર્મિત ઊંચી ટાંકીનું નિર્માણ, પાણીના વિતરણ માટે રૂ. ૯૫,૮૦૬ ના ખર્ચે ૩૨૪ મીટર લાંબી (૧૧૦ મીમી) કનેક્ટિંગ પી.વી.સી. પાઈપલાઈન, સંપથી નવી ઊંચી ટાંકી સુધી કનેક્ટિંગ પાઈપલાઈન, રૂ. ૭૨,૩૨૨ ના ખર્ચે પંપરૂમ અને રૂ. ૨૫,૭૫૭ ના ખર્ચે ૧૦ હોર્સ પાવરની આધુનિક પમ્પિંગ મશીનરી કાર્યરત કરવામાં આવી છે.

કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ગામની ઊંચી ટાંકી, નળ અને પંપ હાઉસ સહિતના ઘટકોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે લાલાપર ગામને સત્તાવાર રીતે ‘હર ઘર જલ’ ગામ જાહેર કરી, યોજનાના મરામત અને નિભાવણી માટે પાણી સમિતિ/ગ્રામ પંચાયતને ‘જલ કળશ’ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ પાણીના કરકસરભર્યા ઉપયોગ અને યોજનાના ટકાઉપણા માટે સામૂહિક ‘જલ સંકલ્પ’ લીધા હતા.

આ પ્રસંગે મોરબી તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ દેસાઈ, મોરબી પાણી પુરવઠા કાર્યપાલક ઈજનેર એન વાસ્મોના યુનિટ મેનેજરશ્રી મહેશ દામા, સહાયક માહિતી નિયામકશ્રી પારૂલબેન આડેસરા, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી જયંતીભાઈ પડસુંબીયા, અગ્રણીશ્રી અરવિંદભાઈ વાંસદડિયા, લાલપરના સરપંચશ્રી રમેશભાઈ વાંસદડિયા અને ઉપસરપંચશ્રી રાજુભાઈ જેતપરિયા, સ્થાનિક આગેવાનશ્રીઓ, પાણી સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments