મોરબી: શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે કાર્યરત ‘ક્લીન અપ મોરબી’ ટીમ દ્વારા આજ રોજ રવિવારે ફરી એકવાર સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. ટીમના 15 જેટલા ઉત્સાહી સભ્યોએ માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં શ્રમદાન કરી 2 ટ્રેક્ટર જેટલો કચરો એકત્ર કર્યો હતો.
મોરબીના માર્કેટિંગ યાર્ડની બાજુમાં અને છોટાલાલ પેટ્રોલ પંપ સામેના વિસ્તારમાં જ્યાં લાંબા સમયથી મોટા કચરાના ઢગલા પડ્યા હતા, ત્યાં આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ક્લીન અપ મોરબી ટીમના 15 યુવાનો જોડાયા હતા અને જોતજોતામાં ત્યાંથી ગંદકી દૂર કરી 2 ટ્રેક્ટર ભરાય તેટલો કચરો એકત્ર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ‘ક્લીન અપ મોરબી’ ટીમ દ્વારા દર રવિવારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ રીતે સફાઈ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. ટીમે મોરબીની સ્વચ્છતાપ્રિય જનતાને આહવાન કર્યું છે કે તેઓ પણ આ ગ્રુપમાં જોડાય અને મોરબીને સ્વચ્છ રાખવામાં પોતાનો સહયોગ આપે. સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો તમારી આસપાસ ક્યાંય કચરો જણાય તો સ્વયંભૂ સાફ કરો અથવા મહાનગરપાલિકાની એપ્લિકેશન પર ફોટા સાથે ફરિયાદ કરો, જેથી તંત્રનું ધ્યાન દોરાય અને શહેર સ્વચ્છ રહી શકે.










