મોરબી: મોરબી શહેરના નાગરિકોની સુવિધામાં વધુ એક વધારો થવા જઈ રહ્યો છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર પરિવહનને વધુ મજબૂત અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શહેરી બસ સેવા (CMUBS) યોજના અંતર્ગત શહેરમાં 30 નવી CNG સીટી બસો શરૂ કરવા માટેની ટેન્ડર પ્રક્રિયા લાઈવ કરી દેવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકાના ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ શાખાના જણાવ્યા અનુસાર આ તમામ 30 બસો આધુનિક સુવિધાઓથી સજ્જ અને CNG આધારિત હશે, જે પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ થશે. તેમજ બસો શહેરના મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો, શૈક્ષણિક સંસ્થાઓ અને ઔદ્યોગિક વિસ્તારોને સાંકળતા રૂટ પર દોડશે. ખાસ જાહેર પરિવહન સેવા મજબૂત થવાથી ખાનગી વાહનોનો વપરાશ ઘટશે અને શહેરના ટ્રાફિકના ભારણમાં ઘટાડો થશે.









