મોરબી : મોરબી વિસ્તારમાં 40 વર્ષથી લોકપ્રતિનિધિત્વ કરતા અને ગુજરાત સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના દીર્ઘાયુ તથા સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિ માટે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કાંતિભાઈ અમૃતિયા પોતે હનુમાનજી મહારાજમાં અખૂટ શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે. તેઓની હનુમાનજી પ્રત્યેની ભક્તિ એટલી છે કે તેમણે પોતાની છાતી પર હનુમાનજી મહારાજનું છૂંદણું પણ કરાવેલું છે.
હાલમાં તેમના સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિ માટે અને તેઓ જલ્દી સ્વસ્થ થાય તે માટે “નાશે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમન બીરા” ના ન્યાયે આગામી તારીખ 28-02-2026, શનિવારના રોજ સાંજની આરતી વેળાએ (ઝાલર ટાણે) હનુમાન ચાલીસાના સમૂહ ગાનનું આયોજન કરવામાં આવેલ છે.
આ આયોજન અંતર્ગત તમામ મિત્રો, સ્નેહીઓ, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોને એક ખાસ અપીલ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે સૌ કોઈ સ્વયંભૂ રીતે પોત-પોતાના ગામના હનુમાનજી મંદિરે બહોળી સંખ્યામાં એકત્ર થાય અને ત્યાં ભેગા મળીને 3, 5 કે 7 ની સંખ્યામાં હનુમાન ચાલીસાના પાઠ કરે. સામૂહિક પ્રાર્થનામાં રહેલી અપાર શક્તિ થકી કાંતિભાઈ અમૃતિયા ઝડપથી સ્વસ્થ બનીને પુનઃ એ જ ઊર્જા, ઉત્સાહ અને જોમ-જુસ્સાથી લોકો વચ્ચે કાર્યરત થશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.











