મોરબી : મોરબી તાલુકાના જાંબુડીયા ગ્રામ પંચાયત હેઠળ આવતા રફાળેશ્વર ગામે લોકોની સુખાકારી માટે નવું પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જાંબુડીયા ગ્રામ પંચાયતના સરપંચ હંસા આર. પટેલ દ્વારા આ અંગે પત્ર લખીને માંગ કરવામાં આવી છે.
ગત તારીખ ૨૫/૦૨/૨૦૨૬ના રોજ મોરબી જિલ્લા પંચાયતના જિલ્લા આરોગ્ય અધિકારીને પાઠવેલા પત્રમાં જણાવ્યા અનુસાર, જાંબુડીયા ગામે નવા જાંબુડીયા વિસ્તારમાં પેટા આરોગ્ય કેન્દ્ર આવેલું છે. જ્યારે જાંબુડીયાનું પેટા પરા ગામ રફાળેશ્વર ત્યાંથી અંદાજિત ત્રણ કિલોમીટર દૂર આવેલું છે. રફાળેશ્વર વિસ્તારની હાલની વસ્તી અંદાજિત ૫૦૦૦ થી વધુ છે અને અહીં મજૂર વર્ગની વસ્તી વધુ છે. આ લોકોને આરોગ્યની સુવિધા મેળવવા માટે છેક નવા જાંબુડીયા સુધી જવું પડે છે. જેથી લોકોની સુખાકારી હેતુ રફાળેશ્વર ગામે જ નવું પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા સરપંચ દ્વારા વિનંતી કરવામાં આવી છે.











