કોઈ ટીખળખોરોએ વિકૃત આનંદ મેળવવા આ કૃત્ય કર્યું કે કોઈએ જાણી જોઈને આ ઘટનાને અંજામ આપ્યો? તેની સઘન તપાસની માંગ
મોરબી : મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગયાની પ્રતીતિ કરાવતી ઘટના સામે આવી છે. પોલીસની જાણે ધાક જ ઓસરી ગઈ હોય એમ શનિવારે રાત્રે અલગ અલગ વિસ્તારમાં 15 જેટલી કારના કાચ ફોડી નુકસાન કરાયું હોવાનું સામે આવતા ફરી પોલીસ પર પસ્તાળ પડી છે. જો કે કોઈ ટીખળખોરોએ વિકૃત આનંદ મેળવવા આ કૃત્ય કર્યું પછી કોઈ આવરાતત્વોએ જાણી જોઈને આ ઘટનાને અંજામ આપ્યો ? કારણ ગમે તે હોય પરંતુ મોરબીમાં જે રીતે ક્રાઈમ રેટ વધી રહ્યો હોય તે જોતા હવે પોલીસને પોતાની આબરૂ બચાવવા મેદાનમાં આવવું જ પડશે.
મોરબીના જીઆઇડીસી મેઇન રોડ, છાત્રાલય રોડ અને મુનનગર સહિતના રહેણાંક અને વ્યાપારી વિસ્તારોમાં રાત્રિના અંધકારનો લાભ લઈ અજાણ્યા શખ્સોએ આતંક મચાવ્યો હતો. આ વિસ્તારોમાં ઘર કે રોડ પર પાર્ક કરવામાં આવેલી જુદી જુદી કુલ મળીને 15 જેટલી કારના કાચ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તોડી નાખવામાં આવ્યા છે.
સવારે લોકો જ્યારે જાગ્યા ત્યારે પોતાની કારના કાચ તૂટેલી અને નુકસાનગ્રસ્ત હાલતમાં જોતા આશ્ચર્ય અને આક્રોશમાં મુકાઈ ગયા હતા. એક જ રાતમાં આટલી મોટી સંખ્યામાં વાહનોમાં નુકસાન કરવામાં આવતા લોકોમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.
સ્થાનિક વાહન માલિકો દ્વારા આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. હાલ તો અજાણ્યા શખ્સોને ઓળખી કાઢવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં વારંવાર બનતી આવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.













