મોરબી : શહેરમાં યુવતીઓમાં જાગૃતિ અને સશક્તિકરણનો સંદેશ પહોંચાડવા માટે એક અર્થપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આર્યવ્રત કોલેજ મોરબીના સહભાગિતાથી ઉદ્યોગપતિઓ, સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે “The Kerala Story-2” ફિલ્મના વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીમાં સચેતનતા વધારવાનો તેમજ દીકરીઓને જીવનમાં યોગ્ય નિર્ણય લેવા અને ગેરમાર્ગે દોરતી પરિસ્થિતિઓ સામે સજાગ રહેવાની પ્રેરણા આપવાનો છે.
આ આયોજનમાં મોરબીના ઉદ્યોગપતિ અને સમાજના આગેવાનો સહભાગી બન્યા છે. જેમાં મનોજભાઈ એરવાડિયા (પ્રમુખ, વિટ્રીફાઇડ એસોસિયેશન મોરબી), જયદીપભાઈ દેત્રોજા (ભાજપ અગ્રણી), અનિલભાઈ વરમોરા (પાટીદાર સમાજ અગ્રણી), કેતનભાઈ વિલપરા (પૂર્વ પ્રમુખ, મોરબી નગરપાલિકા) તેમજ પી.ડી. કાંજીયા સાહેબ (નવયુગ સ્કૂલ) મુખ્ય સ્પોન્સર તરીકે જોડાયા છે. આયોજકોના જણાવ્યા મુજબ આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ સમાજ સામે ઊભા થતા સંવેદનશીલ પ્રશ્નો અને તેની પાછળની વાસ્તવિકતાઓ અંગે વિચારવા પ્રેરણા આપે છે.
ફિલ્મના પ્રદર્શન માટે એક દિવસ દરમિયાન કુલ 6 શો રાખવામાં આવ્યા છે, જેમાં બપોરે 3 વાગ્યે, સાંજે 6 વાગ્યે અને રાત્રે 9 વાગ્યે શો યોજાશે. ખાસ નોંધનીય છે કે આ પ્રદર્શન 25 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓ માટે રાખવામાં આવ્યું છે અને તેમાં ભાગ લેવા ઇચ્છુકોએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. રજીસ્ટ્રેશન માટે 9512410064 અને 9687625100 નંબર પર સંપર્ક કરવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.











