મયુર રાવલ હળવદ
હળવદ ધ્રાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખિત રજૂઆત
હળવદ: ગુજરાતના કચ્છના નાના રણ વિસ્તારમાં આવેલા અચાનક વાવાઝોડા અને ભારે પવન સાથેના વરસાદને કારણે અગરીયા પરિવારો પર ભારે આફત તૂટી પડી છે. આ સંજોગોમાં હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંધવીને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક “કુદરતી આફત સહાય પેકેજ” જાહેર કરવાની માંગ કરી છે.
ગત 18 અને 19 માર્ચના રોજ આવેલા વાવાઝોડા અને વરસાદે હળવદ, પાટડી, દસાડા અને ધ્રાંગધ્રા તાલુકાના અગરીયા પરિવારોને ગંભીર અસર પહોંચાડી છે. રણના કઠિન પરિસ્થિતિમાં મહેનત કરીને મીઠું ઉત્પાદન કરતા આ પરિવારો આજે જીવનના સંકટમય તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.
રજુઆત મુજબ, ભારે પવનને કારણે અગરીયાઓ દ્વારા લોન લઈને સ્થાપિત કરાયેલ સોલાર પેનલો તૂટી ગઈ છે અથવા ઉડી ગઈ છે, જેના કારણે મીઠા ઉત્પાદન સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. સાથે જ તેમના ઝૂંપડાં તૂટી જતા ઘરવખરી, અનાજ અને જીવનજરૂરી ચીજવસ્તુઓ વરસાદમાં નષ્ટ થઈ ગઈ છે. વધુમાં સિઝનના અંતે તૈયાર થયેલો મીઠાનો પાક પણ વરસાદમાં ધોવાઈ જતાં ભારે આર્થિક નુકસાન થયું છે.
ધારાસભ્યએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવે, તૂટી ગયેલી સોલાર પેનલ માટે 100 ટકા સહાય અથવા નવી પેનલ ઉપલબ્ધ કરાવવામાં આવે, અગરીયા પરિવારોને રોકડ સહાય તથા અનાજ અને આવશ્યક સામગ્રી આપવામાં આવે અને મીઠાના પાકના નુકસાન માટે વિશેષ વળતર પેકેજ જાહેર કરવામાં આવે.
અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્ય સરકાર હંમેશાની જેમ આ મુશ્કેલ સમયમાં અગરીયા સમાજની સાથે ઉભી રહેશે અને તાત્કાલિક નિર્ણય લઈને હજારો પરિવારોને રાહત પહોંચાડશે.












