મોરબી : શહેરના લીલાપર રોડ પર સ્થિત શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિદ્યુત સ્મશાન ગૃહ ખાતે આગામી રામનવમીના પવિત્ર દિવસે ત્રિવિધ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવનિર્મિત રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ, નવકુંડી યજ્ઞ અને અખંડ રામધૂન જેવા કાર્યક્રમો યોજાશે.
લીલાપર રોડ પર છેલ્લા 22 વર્ષથી કાર્યરત વિદ્યુત સ્મશાન ખાતે ભાદરવા વદી અમાસથી દરરોજ બપોરે 2:00 થી 6:00 દરમિયાન રામધૂન શરૂ કરવામાં આવી હતી. જેમાં સત્સંગીઓની વધતી સંખ્યાને ધ્યાને રાખીને 2150 ફૂટના વિશાળ ‘શ્રી રામધૂન સત્સંગ હોલ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોલનું લોકાર્પણ તારીખ 26/03/2026, ગુરુવાર (રામનવમી) ના રોજ સવારે 9:00 કલાકે રાખવામાં આવ્યું છે.
આ પ્રસંગે આર્યસમાજ દક્ષિણ-મોરબી તથા વૈદિક યજ્ઞ સમિતિ અને આર્ય સમાજ ટ્રસ્ટ-ટંકારા દ્વારા સવારે 7:30 કલાકે નવકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં યજમાન પદે બિરાજવા ઈચ્છતા ભાવિકોએ વહેલી તકે નામ નોંધાવવા અપીલ કરાઈ છે. પૂજાની તમામ સામગ્રી સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવશે, જ્યારે યજમાનોએ પોતાનું આસન સાથે લાવવાનું રહેશે. આ ઉપરાંત, મોક્ષધામ ધૂન મંડળ દ્વારા 24 કલાકની અખંડ રામધૂન પણ યોજાશે.
આ લોકાર્પણ પ્રસંગે ઝાંઝરી માતાજી મંદિરના 1008 મહામંડલેશ્વર યોગીજી મહારાજ, ભાણદેવજી (સરસ્વતી આશ્રમ), મહંત શરદમુની ઉદાસીન, ભાવેશ્વરીબેન (રામધન આશ્રમ) અને હંસાગીરી માતાજી આશીર્વચન પાઠવશે. કાર્યક્રમ દરમિયાન બપોરે અને સાંજે ફરાળની વ્યવસ્થા ગૌસ્વામી વાડી, લીલાપર રોડ ખાતે રાખવામાં આવી છે. શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઇ યુ. ભાલોડિયા અને તમામ ટ્રસ્ટી મંડળ દ્વારા આ ધાર્મિક મહોત્સવમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.











