મોરબી : મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા શહેરી વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા અને નિરાધાર લોકો માટે એક ખાસ નાઈટ-ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કમિશ્નર અને નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ 30 જેટલા નિરાધાર લોકોને નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 23 માર્ચના રોજ રાત્રિના સમયે યુ.સી.ડી શાખા અને સંસ્થાના સ્ટાફ દ્વારા ફૂટપાથ પર આશરો લેતા લોકોની સ્થળ પર જ મુલાકાત લેવામાં આવી હતી. કાઉન્સેલિંગ કરીને આ લોકોને સમજાવવામાં આવ્યા હતા કે ઠંડી કે અન્ય ઋતુગત ફેરફારોના કારણે તેમના આરોગ્ય પર વિપરીત અસર ન થાય તે માટે તેઓ આશ્રયગૃહનો લાભ લે. આ રાત્રિ ઝુંબેશ દરમિયાન કુલ 30 ઘરવિહોણા લોકોને તેમના પરિવાર સાથે આશ્રયગૃહમાં સલામત રીતે તબદીલ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે નિરાધાર લોકોને નિઃશુલ્ક રહેવા અને જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ આશ્રયગૃહનું સંચાલન મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણૂક પામેલ સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વધુને વધુ ઘરવિહોણા અને જરૂરિયાતમંદ લોકોને આ આશ્રયગૃહનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ અંગે વધુ માહિતી કે આશ્રયગૃહના લાભ માટે નંદકુંવરબા આશ્રયગૃહ, મોરબીના મોબાઈલ નંબર ૯૭૨૬૫૦૧૮૧૦ પર સંપર્ક કરી શકાશે તેમ યુ.સી.ડી. શાખાના અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.










