હળવદ શહેરમાં રામજન્મોત્સવ નિમિત્તે વૈજનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર દેવાયત ખવડે પોતાની રજૂઆતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં સમગ્ર પટાંગણ માનવ મહેરામણથી છલકાઈ ઉઠ્યું હતું.
દેવાયત ખવડે પોતાના સંબોધનમાં રામજન્મોત્સવ સમિતિને શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે ભગવાન શ્રીરામના જીવનમાંથી આજના યુવાનોને ઘણું શીખવા જેવું છે. તેમણે ઉમેર્યું હતું કે આજના સમયમાં સમાજ માટે રામના આદર્શો અત્યંત ઉપયોગી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે સાહિત્યના માધ્યમથી રામકથાના પ્રસંગો વારંવાર સાંભળવા મળે છે અને હળવદમાં યોજાતી આવી ભવ્ય ઉજવણી યુવાનોને માર્ગદર્શન પૂરું પાડે છે. યુવાનોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યો જળવાઈ રહે તે માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ છે. “રામ માત્ર દેવતા નથી, પરંતુ આદર્શ જીવન જીવવાનો માર્ગ છે, જેમાં સત્ય, કર્તવ્ય અને સંસ્કારનું વિશેષ મહત્વ છે,” એમ તેમણે જણાવ્યું હતું.
લોકડાયરામાં ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકોએ લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં હળવદના રાજકીય, સામાજિક, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રામજન્મોત્સવ સમિતિના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ભાવેશભાઈ ઠક્કર,ડો મિલનભાઈ માલપરા, તથા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના યુવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.












