Sunday, May 17, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના 4 યુવાનોનો સાહસિક કારનામું: 13,000 ફૂટ ઊંચા રંથન ખરક ટ્રેક પર...

મોરબીના 4 યુવાનોનો સાહસિક કારનામું: 13,000 ફૂટ ઊંચા રંથન ખરક ટ્રેક પર લહેરાવ્યો તિરંગો

મોરબીના યુવાનોએ સાહસિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. મોરબીના 4 યુવાનોએ ઉત્તરાખંડમાં અંદાજિત 13000 ફૂટની ઊંચાઈ પર સ્થિત ‘રંથન ખરક’ (Runthan Kharak) ટ્રેક સફળતાપૂર્વક સર કર્યો છે. સૌરાષ્ટ્ર અને મોરબીમાંથી આટલી ઊંચાઈ પર આ કઠિન ટ્રેકિંગ કરનાર આ પ્રથમ ગ્રુપ હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ સાહસિક ટ્રેકિંગમાં મોરબીના કુલ 4 યુવાનો જોડાયા હતા. જેમાં સિનિયર ક્રિકેટ કોચ વિશાલ ભીમાણી તેમજ પુનીત નાયકપરા, અંકિત પટેલ અને કિશન ચાવડાનો સમાવેશ થાય છે. આ તમામ યુવાનોએ પોતાની શારીરિક અને માનસિક ક્ષમતાનો અદભુત પરિચય આપીને આ કઠિન પ્રવાસ પૂર્ણ કર્યો છે. આ ટ્રેકિંગ ઉત્તરાખંડથી 350 કિલોમીટર દૂર હિમાલયની પહાડીઓમાં આવેલું છે.

આ સફરની શરૂઆત ગોગીના નામના સ્થળેથી થઈ હતી, જ્યાં સુધી જ વાહનો પહોંચી શકે છે. ગોગીનાથી આગળનું સંપૂર્ણ ટ્રેકિંગ પગપાળા જ કરવાનું હતું અને ત્યાં પહોંચતા કુલ 4 દિવસનો સમય લાગ્યો હતો. પ્રવાસ દરમિયાન માઈનસ 10 ડિગ્રી તાપમાનનો અને માત્ર બરફીલા માર્ગનો સામનો કરવો પડ્યો હતો. ભારે હિમવર્ષા અને બરફના તોફાનો વચ્ચે પણ તેઓ સતત આગળ વધ્યા હતા. એક તબક્કે ઇમરજન્સી રેસ્ક્યુ માટે મદદ બોલાવવાના પણ વિચાર આવ્યા હતા. છતાં તેમણે હિંમત હારી ન હતી અને પોતાનો પ્રવાસ ચાલુ રાખ્યો હતો.

આ ટ્રેકમાં સમગ્ર ભારતમાંથી કુલ 21 ટ્રેકર્સ જોડાયા હતા. તેમને માર્ગદર્શન આપવા માટે 4 ટ્રેક લીડર્સ પણ સાથે હતા. આ ગ્રુપમાં ઇસરોના વૈજ્ઞાનિકો અને આઇટી સેક્ટરના લોકો પણ સામેલ હતા. શિખર પર પહોંચીને મોરબીના આ યુવાનોએ ‘વંદે માતરમ’ના નારા લગાવ્યા હતા અને અન્ય રાજ્યોના લોકોને ગુજરાતના ગૌરવ અને મહત્વ વિશે માહિતગાર કર્યા હતા.

5 દિવસ સુધી વીજળી અને નેટવર્કથી દૂર કુદરતના ખોળે

આ ટ્રેક દરમિયાન યુવાનો 5 દિવસ સુધી વીજળી અને મોબાઈલ નેટવર્કથી સંપૂર્ણપણે દૂર રહ્યા હતા. આસપાસ પાણીની કોઈ સુવિધા ન હોવાથી પીવા માટે પહાડી ઝરણાંના પાણીનો જ ઉપયોગ કરવો પડ્યો હતો. શહેરના ઘોંઘાટથી બિલકુલ દૂર, પહાડોની એવી શાંતિ હતી કે માત્ર પક્ષીઓનો કલરવ જ સાંભળી શકાય.

યુવાનો માટે ખાસ સંદેશ

ટ્રેક પૂર્ણ કર્યા બાદ વિશાલભાઈ ભીમાણીએ યુવાનોને એક ખાસ સંદેશ આપતા જણાવ્યું છે કે, દરેક યુવાને આવા સાહસિક પ્રવાસો કરવા જોઈએ. મુશ્કેલ સમયમાં આવો પ્રવાસ આપમેળે હિંમત આપે છે અને સાહસિક વૃત્તિ વિકસાવે છે. આવા પ્રવાસોનો રોમાંચક અનુભવ જીવનભરનું અવિસ્મરણીય સંસ્મરણ બની જાય છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments