મોરબી: હાલમાં બંધ પડેલા સિરામિક ઉદ્યોગને ફરી ધમધમતો કરવા માટે ગેસના ભાવ મુદ્દે સતત મથામણ ચાલી રહી છે. આ દરમિયાન મોટી સંખ્યામાં સિરામિક ઉદ્યોગકારો મોરબી સ્થિત ગુજરાત ગેસની ઓફિસે પહોંચ્યા હતા અને ‘ગુજરાત ગેસ હાય.. હાય..’, ‘ગેસના ભાવમાં ઘટાડો કરો’ સહિતના ઉગ્ર નારાઓ લગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ સાથે જ એસોસિએશન દ્વારા ગુજરાત ગેસના મેનેજીંગ ડિરેક્ટરને સંબોધીને એક લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. આ સાથે ગુજરાત ગેસને ભાવ મામલે સદબુદ્ધિ મળે તે માટે ઉદ્યોગકારો એ ગેસની ઓફિસમાં જ બેસી અને રામ ધૂન બોલાવી 2 મિનિટનું મૌન પાડી વિરોધ દર્શાવ્યો હતો.
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ઉદ્યોગને ફરી જીવંત બનાવવા એસોસિએશન અને ગુજરાત ગેસ વચ્ચે સતત મિટિંગો ચાલી રહી છે. તારીખ 6/4/2026 ના રોજ ગાંધીનગરથી આવેલા ઉચ્ચ અધિકારીઓ સાથે પણ આખો દિવસ મિટિંગ ચાલી હતી. જેમાં નિર્ણય લેવાયો હતો કે મે 2026 મહિનાના વપરાશ માટે બજાર ભાવ સાથે ડિમાન્ડ મંગાવવામાં આવશે અને તે આધારે ગેસ સપ્લાય થશે. આ આયોજનના ભાગરૂપે ગઈકાલે તારીખ 7/4/2026 ના રોજ ગુજરાત ગેસ દ્વારા 79.85 ના ભાવ સાથે ડિમાન્ડ લિંક મોકલવામાં આવી હતી. પરંતુ આજ સવારથી યુદ્ધની પરિસ્થિતિ બદલાતા અને સીઝ ફાયર થતા આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.
આથી સિરામિક એસોસિએશનના પ્રમુખો મનોજ એરવાડિયા (વિટ્રિફાઇડ ટાઇલ્સ ડિવિઝન) અને સંદીપ કુંડારિયા (ફ્લોર ટાઇલ્સ ડિવિઝન) દ્વારા ગુજરાત ગેસને લેખિત વિનંતી કરવામાં આવી છે કે ગઈકાલે મોકલાવેલ ઊંચા ભાવની લિંક હોલ્ડ ઉપર રાખવામાં આવે અને હાલના પ્રવર્તમાન નવા ઘટેલા ભાવ મુજબ ફરીથી નવી લિંક સાથે ડિમાન્ડ મેળવવામાં આવે. ઉદ્યોગકારોની સ્પષ્ટ માંગ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં થયેલા ભાવ ઘટાડાનો સીધો લાભ મોરબીના સિરામિક ઉદ્યોગને સત્વરે મળવો જોઈએ.
જો 60 થી 65 રૂપિયાની આસપાસ ગેસ મળે અને સરકાર વેટમાં રાહત આપે તો જ ઉદ્યોગ ટકી શકશે: મુકેશ કુંડારીયા
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર એસોસિએશન પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ મુકેશ કુંડારીયાએ જણાવ્યું હતું કે, “હાલ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું હતું, તે દરમિયાન આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એલએનજીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. જેના પરિણામે ગુજરાત ગેસના ભાવ ડબલથી પણ વધુ થઈ ગયા હતા. જે ગેસ અગાઉ 41 થી 42 રૂપિયામાં મળતો હતો, તેનો ભાવ એક સમયે 92 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. આટલા ઊંચા ભાવે ઇન્ડસ્ટ્રીઝ ચલાવવી અત્યંત મુશ્કેલ છે અને લિક્વિડિટીના પ્રશ્નોના કારણે તે શક્ય પણ નથી.આ સંકટમાંથી બહાર આવવા માટે ગુજરાત સરકાર અને ગુજરાત ગેસે ભાવમાં ઘટાડો કરવો જરૂરી છે. હવે જ્યારે યુદ્ધમાં સીઝફાયર થયું છે, ત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભાવ નીચે આવવાના જ છે અને એલએનજીની ઉપલબ્ધતા પણ વધશે. અમારી માંગ છે કે સ્પોટ પ્રાઈઝ મુજબ 60 થી 65 રૂપિયાની આસપાસ વ્યાજબી ભાવ કરી આપવામાં આવે તો જ આ ઇન્ડસ્ટ્રીઝ સર્વાઈવ કરી શકશે. જો આમ નહીં થાય તો આ યુદ્ધનો મોટો માર સિરામિક ઉદ્યોગ પર પડશે. 60000 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતો આ ઉદ્યોગ 1 મહિનાથી બંધ રહેતા 5000 કરોડનું ટર્નઓવર ઠપ થઈ ગયું છે. ઉદ્યોગ સાથે જોડાયેલા શ્રમિકો પણ પોતાના વતન પરત ફરી રહ્યા છે. આ રોજગારીને બચાવવા માટે અને ઉદ્યોગને જીવંત રાખવા સરકારે તાત્કાલિક ધોરણે ગેસના ભાવમાં ઘટાડો કરવો જોઈએ અને સાથે જ અમુક સમય માટે વેટમાં પણ કાપ મૂકવો જોઈએ જેથી ઉદ્યોગને 6 ટકાની બીજી રાહત મળી શકે.”
ગેસ સપ્લાયની અનિશ્ચિતતા અને વારંવાર બદલાતા ભાવથી ઉદ્યોગને મોટું નુકસાન: મનોજ એરવાડિયા
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર એસોસિએશન (વિટ્રિફાઇડ ટાઇલ્સ ડિવિઝન) ના પ્રમુખ મનોજ એરવાડિયાએ જણાવ્યું હતું કે, “જ્યારથી આ યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારથી ગેસના ભાવ અને સપ્લાયમાં ભારે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. આ અનિશ્ચિતતાના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગને અત્યાર સુધીમાં ઘણું મોટું નુકસાન વેઠવું પડ્યું છે. ગુજરાત ગેસ સાથે સતત ચર્ચા કરવા છતાં, ગેસના ભાવની નીતિ વારંવાર બદલાતી હોવાથી ઉદ્યોગકારો ભારે ચિંતામાં મુકાયા છે. જ્યારે પણ અમે પ્રોડક્શન ચાલુ કરવાનું પ્લાનિંગ કરીએ, ત્યારે જ ગેસના ભાવ બદલાઈ જાય છે, જેનાથી પ્રોડક્શન કેવી રીતે કરવું અને માર્કેટમાં માલ કેવી રીતે વેચવો તેની અસમંજસ ઊભી થાય છે.બે દિવસ પહેલા જ્યારે અમે ગાંધીનગરમાં રજૂઆત કરી હતી, ત્યારે મે મહિના માટે અંદાજિત 80 રૂપિયા આસપાસનો ભાવ આપવામાં આવ્યો હતો અને તે મુજબ ઓર્ડર બુક કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ ગત રાત્રિથી યુદ્ધમાં સીઝફાયર થતા ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા છે અને એવી શક્યતા છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સ્પોટ પ્રાઇઝ પણ 22 ડોલરથી ઘટીને 17 થી 18 ડોલર થઈ શકે છે. અમારી ગુજરાત ગેસ પાસે એક જ માંગ છે કે જે બે દિવસ પહેલાની મીટિંગમાં જે ઊંચા ભાવની વાત થઈ હતી તેને રદ કરી, આજની જે નવી ઘટેલી સ્પોટ પ્રાઇઝ છે તે મુજબ નવા અને સસ્તા ભાવ આપવામાં આવે. ગુજરાત ગેસ દ્વારા મોરબીના સમગ્ર સિરામિક ઉદ્યોગને એક જ ભાવે ગેસ સપ્લાય કરવામાં આવે જેથી બધા ઉદ્યોગકારોને સમાન તક મળે અને ઉદ્યોગ વહેલી તકે ફરી ધમધમતો થઈ શકે.”












