ટંકારા : ટંકારા નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે યુવા અને શિક્ષિત ચહેરાઓને પ્રાધાન્ય આપીને સૌને ચોંકાવ્યા છે. ભાજપે ટંકારાના રાજકારણમાં નવો પ્રયોગ કરતા માત્ર 23 વર્ષીય યુવતી પાયલ કુકડિયા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
પાયલ કુકડિયાએ નોંધાવી ઉમેદવારી
11 એપ્રિલ 2026 ના રોજ વિજય મુહૂર્તમાં પાયલ કુકડિયાએ પોતાના સમર્થકો અને ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ટંકારા નગરપાલિકા માટે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતી વખતે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ‘ભારત માતા કી જય’ ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
ટંકારાના સ્થાનિક રાજકારણમાં સામાન્ય રીતે અનુભવી ચહેરાઓનું વર્ચસ્વ જોવા મળતું હોય છે, પરંતુ ભાજપે પાયલ કુકડિયા જેવા યુવા ઉમેદવારને ટિકિટ આપીને એ સ્પષ્ટ કર્યું છે કે પાર્ટી હવે ‘નવા લોહી’ અને નવી પેઢીને નેતૃત્વ સોંપવા તૈયાર છે. પાયલ કુકડિયાની પસંદગી એ બાબતનો સંકેત છે કે ભાજપ યુવા સશક્તિકરણ અને મહિલા પ્રતિનિધિત્વને ગંભીરતાથી લઈ રહી છે.
ટંકારાના વિકાસ અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે હું કટિબદ્ધ છું: પાયલ કુકડિયા
ફોર્મ ભર્યા બાદ પાયલ કુકડિયાએ જણાવ્યું હતું કે, “પાર્ટીએ મારા જેવી સામાન્ય અને યુવા કાર્યકર પર જે વિશ્વાસ મૂક્યો છે, તે બદલ હું સંગઠનનો આભાર માનું છું. ટંકારાના વિકાસ માટે અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે હું કટિબદ્ધ છું. યુવા જોશ અને વડીલોના આશીર્વાદ સાથે અમે આ ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવીશું.”
સ્થાનિક રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે 23 વર્ષીય પાયલની ઉમેદવારીથી યુવા મતદારોમાં ભાજપ પ્રત્યે આકર્ષણ વધશે, જે આગામી પરિણામોમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.











