મોરબી તાલુકા પોલીસે 1776 બોટલ દારૂ સાથે રાજકોટના શખ્સને દબોચ્યો: 11.78 લાખનો મુદ્દામાલ કબ્જે

મોરબી : મોરબી તાલુકા પોલીસની ટીમે જૂના ઘૂટું રોડ પર સ્મશાન પાસેથી એક લક્ઝરી કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હકીકત મળી હતી કે, હળવદથી જૂના ઘૂટું રોડ થઈ મોરબી તરફ એક ટાટા હેરિયર કાર વિદેશી દારૂ ભરીને આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી GJ 03 MB 5847 નંબરની હેરિયર કારને અટકાવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની 180 મીલીની 1776 પ્લાસ્ટિકની બોટલ મળી આવી હતી.
પોલીસે દારૂની બોટલ નંગ 1776 (કિંમત 6,13,200), ટાટા હેરિયર કાર (કિંમત 5,00,000) અને 2 મોબાઈલ ફોન (કિંમત 65,000) મળી કુલ 11,78,200 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસે કારમાં સવાર આરોપી તોસીબભાઈ રહીમભાઈ પીપરવાડીયા (રહે. સાગર સોસાયટી, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ) ની ધરપકડ કરી છે. તેમજ માલ આપનાર એક અજાણ્યો શખ્સ અને માલ મંગાવનાર સિરાજભાઈ રજાકભાઈ લીંગડીયા (રહે. રાજકોટ) બંનેને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ.ઘેટીયા, પો.સ.ઇ. એસ.સોંદરવા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.










