નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી માટે કડક સૂચનાઓ, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લામાં નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ મતદાન યોજાય તે માટે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ દ્વારા હળવદ તાલુકાના સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી હતી.
પોલીસ અધિક્ષક મુકેશ પટેલે હળવદ પીઆઈ આર.ટી. વ્યાસ સાથે મળીને વિવિધ મતદાન મથકો પર રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું અને ત્યાંની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
લોકશાહીના આ મહત્ત્વના પર્વ દરમિયાન કોઈપણ પ્રકારનો અવરોધ ન આવે અને આચારસંહિતાનું કડક પાલન થાય તે માટે તેમણે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. ઉપરાંત, સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા અને મતદાન પ્રક્રિયા સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી.
હળવદ તાલુકાના ચરાડવા, કડીયાણા, ભલગામડા, સાપકડા, ઢવાણા અને સુખપર સહિતના સંવેદનશીલ મતદાન કેન્દ્રોની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન હળવદ પીઆઈ આર.ટી. વ્યાસ દ્વારા સ્ટ્રોંગ રૂમ સહિતની વિવિધ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ મુલાકાતથી ચૂંટણી પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત અને વિશ્વસનીય રીતે પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મયુર રાવલ હળવદ















