મોરબી શહેરમાં ખાણીપીણીના ધંધાર્થી, હોટલ, ડેરી, ફરસાણની દુકાનો બાદ હવે મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા પીવાના પાણીનો ધીકતો ધંધો કરતા વોટર જગના ધંધાર્થીઓને ત્યાં તપાસ કરી ચાર સ્થળેથી સેમ્પલ મેળવ્યા હતા જેમાં બે ઉત્પાદકોને ત્યાં પાણીના સેમ્પલ અસંતોષકારક આવતા બન્ને પ્લાન્ટને બંધ કરવા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા તાજેતરમાં સત્યમ વોટર, રાજા મિનરલ વોટર, દેવ વોટર સપ્લાય, અને સુપર ડીલક્ષ વોટર નામના પ્લાન્ટમાંથી શુદ્ધ પાણીના નમુના લેવામાં આવ્યા હતા જેમાંથી નવલખી રોડ પર આવેલા દેવ વોટર સપ્લાય તેમજ સુપર ડીલક્ષ વોટર પ્લાન્ટમાં પાણીના નમુનાનું પરિણામ અસંતોષકારક આવતા બંને પાણીના પ્લાન્ટના સંચાલકોને નોટીસ પાઠવી જ્યાં સુધી પાણીના શુદ્ધિકરણનું પરિણામ સંતોષકારક ન આવે ત્યાં સુધી કામગીરી બંધ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી.
પાણીના બે પ્લાન્ટમાં નમૂના અસંતોષકારક આવતા કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા મોરબી મહાનગરપાલિકાનાં હદ વિસ્તારમાં આવેલા તમામ પાણીના પ્લાન્ટનાં વેપારીઓને તાકીદ કરવામાં આવી હતી કે, પાણીનું શુદ્ધિકરણ અને પાણીની ગુણવત્તા જળવાય રહે અન્યથા મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.











