Friday, May 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી શહેરને મળશે વધુ બે હરવા-ફરવાના આધુનિક સ્થળો

મોરબી શહેરને મળશે વધુ બે હરવા-ફરવાના આધુનિક સ્થળો

મોરબી : મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ નગરપાલિકા શાસનમાં જે પાંચ દાયકામાં નથી થયા તેવા શહેરને સુંદર બનાવવાના અનેકવિધ કામો મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને શહેરની સુંદરતા વધારતા એકથી વધુ બગીચાઓ શહેરીજનોને ભેટ આપવામાં આવ્યા બાદ હવે કોર્પોરેશન દ્વારા શહેરની ભાગોળે આવેલ વર્ષો જુના શનાળા નજીકના તળાવ તેમજ લીલાપર તળાવને હરવા ફરવાના સ્થળ તરીકે વિકસાવવાની સાથે જળસંચયનો ધ્યેય પણ પૂર્ણ કરવામાં આવશે.આગામી બે વર્ષમાં બન્ને તળાવનું રૂ.33 કરોડથી વધુના ખર્ચે બ્યુટીફીકેશન કરવા કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

મોરબી મહાનગર પાલિકા દ્વારા લીલાપર અને શનાળા તળાવને હરવા ફરવાના સ્થળ તરીકે વિકસાવવા પ્રક્રિયા હાથ ધરી છે. જે અન્વયે લીલાપર તળાવનું 22.42 કરોડ રૂપિયા ખર્ચે ડેવલોપમેન્ટ કરવા તેમજ શનાળા નજીક આવેલ પૌરાણિક તળાવને 10.68 કરોડ રૂપિયા ખર્ચે આગામી 24 મહિનામાં વિકસાવવામાં આવશે.બન્ને તળાવ ખાતે ફૂડ કોર્ટ, ચિલ્ડ્રન પ્લે એરિયા, વોક-વે, પાથ – વે, પાર્કિંગ સુવિધા, હરિયાળી માટે અનેક પ્રકારના વૃક્ષનું વાવેતર, ગાર્ડન, સુંદર રંગબેરંગી ફૂલ છોડ વાવવાની સાથે જ વરસાદી પાણી સંગ્રહ માટે વર્ષો જૂના તળાવોને જરૂરત મુજબ ઊંડા ઉતારવાની કામગીરી કરવા આવશે.

શનાળા તળાવમાં બોટિંગ સહિતની સુવિધા શરૂ થશે

રહેણાંક ઉપરાંત રાજકોટ હાઇવે નજીક આવેલ શનાળા ખાતે 30,500 ચોરસ મીટરનો ઘેરાવો ધરાવતું તળાવ આવેલ છે.અહીં કોર્પોરેશન દ્વારા તળાવના નવીનીકરણ બાદ અહીં બોટિંગની સુવિધા આપવામાં આવશે. સાથે જ અહીં તળાવ ફરતે સુરક્ષા માટે ગ્રીલ નાખી ઓપન વોક વે, ફૂડ કોર્ટ, ગાર્ડન, પાર્કિંગ, સહેલાણીઓ માટે બેસવાની વ્યવસ્થા તેમજ સુંદર અને આકર્ષક લાઇટિંગ કરવામાં આવશે.

લીલાપર તળાવ ખાતે બટરફલાય ગાર્ડન ડેવલોપ થશે

મોરબીના લીલાપર ખાતે આવેલ તળાવનું રૂ.22.42 કરોડના ખર્ચે ડેવલોપમેન્ટ કરવામાં આવશે.અહીં વિવિધ પ્રકારના વૃક્ષની સાથે પતંગિયા આકર્ષાય તેવા ફૂલ છોડનું વાવેતર કરી અહીં બટરફલાય ગાર્ડન ડેવલોપ કરવામાં આવશે.લીલાપર તળાવ કાંઠે પણ સુંદર મજાનો વોક વે, પાથ વે, ચિલ્ડ્રન પ્લે એરિયા, મોટેરાઓ માટે સુંદર મજાનો બગીચો, વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવી વ્યવસ્થા, મિયાવાકી પદ્ધતિથી ઘટાદાર વૃક્ષોનું વાવેતર, તળાવ કાંઠે બેસવાની વ્યવસ્થા, તળાવના કાંઠા નજીક ફૂડકોર્ટ, કાર અને બાઈક માટે અલાયદી પાર્કિંગ વ્યવસ્થા સહિતની સુવિધાઓ વિકસાવી મોરબી શહેરના નાગરિકો માટે વધુ બે હરવા ફરવાના સ્થળ વિકસાવવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments