મોરબી શહેરના નંદીઘરમાં અસહ્ય અને પીડાદાયક સ્થિતિમાં 9 જેટલા નંદીઓના મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ નંદીઓ કોઈ એક દિવસમાં મૃત્યુ પામ્યા નથી, પરંતુ છેલ્લા 3 થી 4 દિવસ કે તેથી વધુ સમયથી મૃત્યુ પામીને ત્યાં જ પડ્યા હોવાનું જણાઈ રહ્યું છે. મૃત નંદીઓને ખાડો કરીને સમાધિ આપવાને બદલે અન્ય જીવિત નંદીઓની વચ્ચે જ પડ્યા રહેવા દેવામાં આવ્યા હતા.
ઘાસચારો અને પાણી ન મળતો હોવાનો આક્ષેપ
શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ કહ્યું કે બપોરના સમયે કોંગ્રેસના કાર્યકર મુસ્તાકભાઈના ફોન આવ્યા બાદ તેઓ નંદીઘરની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે નંદીઓ ખૂબ જ પીડાદાયક રીતે મૃત્યુ પામ્યા છે અને અંદાજિત 9 નંદીઓ મૃત હાલતમાં પડ્યા હતા. તેઓએ આક્ષેપ કર્યો છે કે હાલમાં જે સંસ્થા દ્વારા નંદીઘર ચલાવવામાં આવે છે, ત્યાં નંદીઓને પૂરતા પ્રમાણમાં ઘાસચારો અને પાણી મળતું નથી, જેના કારણે જ આ મૃત્યુ થયા હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ લાગી રહ્યું છે.
એફએસએલ રિપોર્ટ કરાવી યોગ્ય તપાસ થવી જોઇએ
કોંગ્રેસ પ્રમુખે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે ગૌમાતા અને નંદીના નામે ભારતીય જનતા પાર્ટીના 52 કોર્પોરેટરો સત્તાની સીડી સુધી પહોંચી ગયા છે, ત્યારે હવે તેમણે રજૂઆત કરવાનો સમય છે. ભૂતકાળમાં નગરપાલિકા સમયે પણ આ જ નંદીઘરમાં ઘણા નંદીઓના મોત થયા હતા અને હવે મહાનગરપાલિકા થયા પછી નંદીઘર ફરી ચાલુ કરવામાં આવ્યું છે છતાં સ્થિતિ જૈસે થે છે. આ નંદીઓના મૃત્યુના સાચા કારણ માટે તપાસ સમિતિ બનાવવી જોઈએ. મૃત્યુ પામેલા નંદીઓના એફએસએલ (FSL) રિપોર્ટ કરાવવા જોઈએ. નંદીઓના મોત પાછળ જે પણ લોકો જવાબદાર હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
વ્યવસ્થા નહિ થાય તો નંદીઓને શહેરમાં છોડી મુકાશે
જો આગામી દિવસોમાં નંદીઓ માટે યોગ્ય ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો કોંગ્રેસની ટીમ દ્વારા તમામ નંદીઓને છોડીને મોરબી શહેરમાં લઈ આવવામાં આવશે તેવી ચીમકી પુષ્પરાજસિંહે ઉચ્ચારી છે. મોરબીની જનતાએ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી છે, પરંતુ જો કોંગ્રેસ વિપક્ષમાં બેઠી હોત તો લડાઈ કરી હોત અને આવનારા દિવસોમાં પણ લડાઈ કરવા માટે તેઓ પૂરી રીતે તૈયાર છે. તેમ અંતમાં તેઓએ કહ્યું હતું.
મૃત નંદીઓને ડમ્પિંગ સાઈટમાં નાખી દેવાતા હોવાના પણ કિસ્સા!
વધુમાં સુત્રોમાથી જાણવા મળ્યું છે કે નંદીઘરમાં છાશવારે નંદીઓના મોત થવાના સમાચાર મળતા રહે છે. મૃત નંદીઓને લાલપર ડમ્પિંગ સાઈટ ખાતે નાખી દેવામાં આવ્યા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે, જ્યાં સળગતા કચરાની સાથે નંદીઓ પણ સળગી જતા હોવાના બનાવો બન્યા છે. આ નંદીઓના મોત બાદ તેને જમીનમાં દફન કરી તેના મોતનો મલાજો જાળવવો જરૂરી છે.
એજન્સી કસૂરવાર જણાશે તો કાર્યવાહી કરાશે : ડેપ્યુટી કમિશનર
મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે કોર્પોરેશન બન્યા બાદ ANCD શાખાની રચના કરવામાં આવી હતી. વર્ષ 2025માં કોર્પોરેશન દ્વારા 2000 થી વધુ રસ્તે રઝળતા નંદી અને ગાયોને પકડીને નજીકની ગૌશાળા અને પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ ઘણી બધી ગૌશાળાઓ દ્વારા નંદી ન સ્વીકારવાની રજૂઆત કરવામાં આવી હતી. અત્યારે નંદીઘરના ડેવલપમેન્ટનું કામ ચાલુ છે, પરંતુ શહેરમાંથી પકડવામાં આવતા નંદીઓને કોઈ જગ્યાએ મૂકવાના થાય તો ટેમ્પરરી વ્યવસ્થાના ભાગરૂપે નંદીઘરમાં જ રાખવામાં આવે છે. આ સમગ્ર કામગીરીનું ઓપરેશન અને મેન્ટેનન્સ પશુબા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને સોંપવામાં આવેલું છે. નંદીઘરમાં નંદીઓની રખેવાળી એજન્સીને સોંપવામાં આવે છે. મોટા પશુ માટે દૈનિક 50 રૂપિયા અને નાના પશુઓ માટે દૈનિક 40 રૂપિયા એજન્સીને ચૂકવવામાં આવે છે. આ રકમના બદલામાં એજન્સીએ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા, દેખરેખ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવાની હોય છે.બમોત પાછળના પ્રાથમિક કારણ અંગે તેમણે જણાવ્યું હતું કે, અત્યારે કોઈ ખબર નથી પડતી પરંતુ મહાનગરપાલિકાની ટીમ ત્યાં ગયેલી છે અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પણ રૂબરૂ બોલાવેલા છે. પ્રાથમિક રીતે તપાસ કરાવ્યા બાદ જો એજન્સી દોષિત જણાશે તો તેની સામે એક્શન લેવામાં આવશે. અગાઉ પણ નંદીઘરની વિઝિટ કરવામાં આવી હતી ત્યારે પાણી કે ઘાસચારાનો કોઈ અભાવ જોવા મળ્યો ન હતો, છતાં આજે ટીમ ગયેલી છે અને ટીમ રિપોર્ટ આપે તે પ્રમાણે એજન્સીને જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવશે.












