Saturday, August 1, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવરસાદની હેલી સામે માનવતાની હેલી: વરુણદેવના રૌદ્ર સ્વરૂપ વચ્ચે ‘યંગ ઇન્ડિયા ગ્રુપ’...

વરસાદની હેલી સામે માનવતાની હેલી: વરુણદેવના રૌદ્ર સ્વરૂપ વચ્ચે ‘યંગ ઇન્ડિયા ગ્રુપ’ નિરાશ્રિતોની વહારે

રોજનું કમાઈને રોજ ખાનારા પરિવારો સુધી ગરમ ભોજન પહોંચાડ્યું, તબીબી ટીમ સાથે ફ્રી મેડિકલ કેમ્પ યોજી આરોગ્ય સુરક્ષા પણ પૂરી પાડી

મોરબી : મોરબી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ભારે વરસાદની સૌથી વધુ અસર પછાત વિસ્તારો તેમજ ઝૂંપટપટ્ટીમાં વસતા રખડતા ભટકતા શ્રમજીવી, ગરીબ અને નિરાશ્રિત પરિવારો પર પડી છે. આવા કપરા સમયમાં જ્યારે અનેક પરિવારો માટે બે ટંકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે વરસાદની હેલી સામે સદેવ સર્વધર્મ સમભાવને યથાર્થ ઠેરવી લોકહિતના કાર્યો કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ આવા અસરગ્રસ્તો માટે માનવતાની હેલી બનીને વહારે આવ્યું છે. યંગ ઇન્ડિયા ગ્રુપ’ દ્વારા આફતગ્રસ્ત તથા જરૂરિયાતમંદોની પડખે ઊભા રહી સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

મોરબીમાં વરસાદી પાણી અને પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે રોજગારીથી વંચિત રહેલા શ્રમજીવી પરિવારો સુધી યંગ ઇન્ડિયા ગ્રુપના સ્વયંસેવકો પહોંચી રહ્યા છે. શહેરના વિવિધ પછાત વિસ્તારોમાં ગરમ અને પૌષ્ટિક ભોજનનું વિતરણ કરી કોઈ જરૂરિયાતમંદ પરિવાર ભૂખ્યો ન રહે તેની કાળજી લેવામાં આવી રહી છે. કુદરતી આફત વચ્ચે માત્ર પેટની જરૂરિયાત નહીં, પરંતુ સ્વાસ્થ્યની ચિંતા પણ કરવામાં આવી રહી છે.

તબીબોની ટીમ સાથે આરોગ્યસેવા

ચોમાસામાં પાણીજન્ય તથા વાયરલ બીમારીઓનું પ્રમાણ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ‘યંગ ઇન્ડિયા ગ્રુપ’ દ્વારા વિવિધ વિસ્તારોમાં વિનામૂલ્યે તબીબી કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાત તબીબો તથા પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા જરૂરિયાતમંદોની સ્થળ પર જ આરોગ્ય તપાસ કરવામાં આવે છે. સારવારની જરૂર જણાય તેવા લોકોને જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે.આ ઉપરાંત વરસાદી ઋતુમાં થતી બીમારીઓથી બચવા માટે સ્વચ્છતા, પીવાના પાણીની તકેદારી તથા રોગચાળાથી બચવાના ઉપાયો અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આમ, સંસ્થા દ્વારા ભોજનની સાથે આરોગ્યની જવાબદારી પણ ઉપાડવામાં આવી છે.

ડૉ. દેવેન રબારીની આગેવાનીમાં સેવાયજ્ઞ

‘યંગ ઇન્ડિયા ગ્રુપ’ના સ્થાપક અને માર્ગદર્શક ડૉ. દેવેન રબારીની આગેવાની હેઠળ ચાલી રહેલા આ સેવાકાર્યનો ઉદ્દેશ મુશ્કેલીના સમયમાં સમાજના છેવાડાના લોકો સુધી મદદ પહોંચાડવાનો છે. ડૉ. રબારી લાંબા સમયથી મોરબીમાં વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા છે અને જરૂરિયાતમંદોની મદદ માટે સંસ્થાના સ્વયંસેવકોને સાથે રાખીને કામગીરી કરતા આવ્યા છે. ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, “આપત્તિના સમયમાં જરૂરિયાતમંદોની પડખે ઊભા રહેવું એ જ સાચી માનવતા છે. મોરબી આપણું ઘર છે અને અહીંનો દરેક નાગરિક આપણા પરિવારનો હિસ્સો છે. મુશ્કેલીના સમયે શ્રમજીવી અને જરૂરિયાતમંદ પરિવારોને સહારો આપવો એ આપણી સામાજિક જવાબદારી છે.”

વરસાદથી અસરગ્રસ્ત પરિવારોની મદદે જોડાવા અપીલ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોરબીમાં વરસાદી આફતની સ્થિતિ જ્યાં સુધી યથાવત રહેશે ત્યાં સુધી જરૂરિયાતમંદો માટે ભોજન વિતરણ અને તબીબી સેવાઓનો આ સેવાયજ્ઞ ચાલુ રાખવામાં આવશે. સાથે જ સમાજના સક્ષમ લોકોને પણ આગળ આવી વરસાદથી અસરગ્રસ્ત પરિવારોની મદદે જોડાવા અપીલ કરવામાં આવી છે. વરુણદેવના રૌદ્ર સ્વરૂપથી મોરબી મુશ્કેલીમાં છે, ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના સેવાભાવી હાથ નિરાશ્રિતો અને શ્રમજીવી પરિવારો સુધી પહોંચી રહ્યા છે. મેઘરાજાની ધોધમાર હેલી વચ્ચે મોરબીમાં માનવતાની આ હેલી અનેક જરૂરિયાતમંદો માટે રાહત બની છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments