મોરબી મહાનગર પાલિકા વિસ્તારમાં વસ્તી ગણતરીની પ્રશાસનિક કામગીરી દરમિયાન પ્રાથમિક શિક્ષકોને અનેક પ્રકારની વ્યવહારિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે તેમજ શિક્ષણ જેવા અત્યંત જવાબદારીપૂર્ણ કાર્ય સાથે વધારાની ફરજો નિભાવતા શિક્ષકો પર વધતું દબાણ તેમજ શિક્ષણ કાર્યને અસર ન થાય તે હેતુસર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, મોરબી દ્વારા નીચે મુજબ મુદ્દાસર રજૂઆત કરવામાં આવે છે.
- વસ્તી ગણતરી જેવી મહત્વપૂર્ણ કામગીરીમાં માત્ર શિક્ષકોને જ નહીં, પરંતુ અન્ય સરકારી વિભાગોના કર્મચારીઓની પણ સમાન રીતે ફરજ ફાળવવામાં આવે.
- યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના “ઇંધણ બચાવો” અભિયાન અને સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકાર દ્વારા તા. 19/05/2026 ના જાહેર કરાયેલ પરિપત્રના અનુસંધાને બધા શિક્ષકોને તેમની શાળા અથવા રહેણાંક સ્થળની નજીકનો વિસ્તાર અથવા એમની શાળાના કે ઘરના વોર્ડનો વિસ્તાર સોંપવામાં આવે જેથી વસ્તી ગણતરીની સાથે સાથે શિક્ષણકાર્ય કરવામાં પણ સરળતા રહે.
- B.L.O. તરીકે ફરજ બજાવતા અને ગણતરીદાર તરીકે હુકમ થયેલ શિક્ષકોને વસ્તી ગણતરીની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે અથવા તો તેમની માંગણી વહેલાસર સંતોષકારક રીતે પૂર્ણ કરવામાં આવે કારણ કે તેઓ અગાઉ SIR જેવી કામગીરી પૂર્ણ કરેલ છે તેમજ હાલ પણ ફોર્મ ભરવાની કામગીરી ચાલુ છે.
- હૃદય,કિડની જેવી અસાધ્ય બીમારી ધરાવતા તેમજ પ્રેગ્નન્સી ધરાવતી બહેનોને ગણતરીદારમાંથી મુક્તિ આપવી.
- એપ્લિકેશન/સોફ્ટવેર સંબંધિત તકનીકી મુશ્કેલીઓ ટાળવા માટે પૂર્વ તૈયારીઓ કરવામાં આવે અને સમસ્યા ઊભી થાય તો તાત્કાલિક માર્ગદર્શન તથા ટેકનિકલ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે.
6,વસ્તી ગણતરી માટે મહા નગરપાલિકા વિસ્તારમાં મજબૂત સંકલન વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેથી શિક્ષકોને અનાવશ્યક દોડધામથી મુક્તિ મળે તેમજ શિક્ષકો અને અધિકારીઓ વચ્ચે સકારાત્મક અને સંવેદનશીલ સંવાદ જળવાઈ રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. કોઈપણ શિક્ષકો સાથે અપમાનજનક અથવા ધમકીભર્યો વલણ ટાળવામાં આવે.
ઉપરોક્ત તમામ મુદ્દાઓ શિક્ષકોના માનસિક સંતુલન, કાર્યક્ષમતા તેમજ શિક્ષણની ગુણવત્તા જાળવવા માટે અત્યંત જરૂરી છે. આ રજૂઆત પર સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી યોગ્ય અને વ્યાવહારિક નિર્ણય લેવા નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશ્નર સંગીતા રૈયાણી (I.A.S.) ની શુભેચ્છા મુલાકાત દરમ્યાન ચર્ચા કરી રજુઆત કરી હતી. અને કમિશ્નરે સકારાત્મક સહકાર આપવા જણાવ્યું હતું.











