મોરબી જિલ્લો એ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાં ઔદ્યોગિક હબ તરીકે પ્રખ્યાત છે. ત્યારે આ સ્થાનિક ઉદ્યોગોના વિવિધ પ્રશ્નોને સમજવા અને તેમના વિકાસને નવી ગતિ આપવા માટે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જિલ્લાના જુદા-જુદા ઔદ્યોગિક એકમોની રૂબરૂ મુલાકાત લઈને ઉદ્યોગકારો સાથે અગત્યના મુદ્દાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
સિમ્પોલો સિરામિક્સમાં ગ્લોબલ માર્કેટિંગ અને નિકાસ અંગે ચર્ચા
જિલ્લા કલેક્ટરે ઘુંટું રોડ પર સ્થિત સિમ્પોલો સિરામિક પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ફેક્ટરીના આધુનિક પ્લાન્ટમાં ટાઇલ્સ ઉત્પાદનની પ્રક્રિયા લાઈવ નિહાળી હતી. આ તકે તેમણે કંપનીના ડાયરેક્ટર મનસુખભાઈ કૈલા સાથે ગ્લોબલ માર્કેટિંગ, પ્રોડક્શન કોસ્ટ (ઉત્પાદન ખર્ચ) અને વૈશ્વિક નિકાસ (Export) સંબંધી વર્તમાન પ્રવાહો અને પડકારો અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરી હતી.
પેપરમિલ અને ટેક્સટાઈલ પ્લાન્ટ્સનું બારીકાઈથી અવલોકન
ઘુંટું રોડ પર જ આવેલી એપોલો પેપરમિલ એલ.એલ.પીની મુલાકાત દરમિયાન કલેક્ટરે રો-મટીરિયલમાંથી પેપર બનાવવાની સમગ્ર ટેકનિકલ પ્રક્રિયા જોઈ હતી અને પેપર મિલ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી આ સેક્ટરની સમસ્યાઓ જાણી હતી. આ ઉપરાંત, જેતપર રોડ નજીક આવેલી લીસ્પીન ટેક્ષટાઈલ એલ.એલ.પી. એકમની મુલાકાત લઈ કપાસમાંથી ફાઈનલ પ્રોડક્ટ (યાર્ન અને કાપડ) તૈયાર થવા સુધીની આખી ચેઈનનું બારીકાઈથી અવલોકન કર્યું હતું. વર્તમાન વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉદ્યોગો સામે ઉભા થયેલા લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશનના પ્રશ્નો અંગે પણ ઉદ્યોગપતિઓ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
ઉચ્ચ અધિકારીઓની ટીમ રહી સાથે આ સમગ્ર પ્રત્યક્ષ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરની સાથે મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજર એસ.બી. પારેજીયા, ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ હેલ્હ એન્ડ સેફ્ટીના નાયબ નિયામક જે.એસ.આડેસરા તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના પ્રાદેશિક અધિકારી સંજય માલસત્તાર સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ જોડાઈ હતી અને જરૂરી ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વહીવટી તંત્ર ઉદ્યોગકારોની પડખે: કલેક્ટરનો અનુરોધ
મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યાદીમાં જણાવ્યા અનુસાર, કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મોરબીના તમામ નાના-મોટા ઉદ્યોગકારોને અપીલ કરી છે કે, ઔદ્યોગિક એકમોના સંચાલનમાં કોઈપણ પ્રકારની વહીવટી સમસ્યા, માળખાકીય અવરોધ કે અડચણ હોય તો વિના સંકોચે જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરવો. મોરબીના ટકાઉ અને લાંબાગાળાના ઔદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે મજબૂત કડી તરીકે સતત સંકલન અને સહયોગ જાળવી રાખવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે કટિબદ્ધ છે.











